વડિયાના દેવગામમાં લગ્ન પ્રસંગમાં સંબંધીને ન બોલાવતાં તલવારનો ઘા ઝીંક્યો હતો. આ બનાવ અંગે જેતપુરમાં રહેતા જયરાજભાઈ શેલારભાઈ ડાંગર (ઉં.વ.૩૮)એ યુવરાજભાઈ ગભરૂભાઈ વાળા, રણજીતભાઈ ગભરૂભાઈ વાળા, ભરતભાઈ બાવકુભાઈ વાળા તથા અનકભાઈ આપભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાહેદ વિજયભાઈ માણસુરભાઈ વાળા તેમના સંબંધી થાય છે. વિજયભાઈને આરોપીઓ સાથે બોલવાનો સંબંધ નહોતો અને વિજયભાઈના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેમણે આ આરોપીઓને બોલાવ્યા નહોતા. ફરિયાદી વિજયભાઈના ઘરે આવતા-જતા હોવાથી આરોપીઓને સારું લાગ્યું નહોતું. આરોપીઓ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને તેમની ગાડી ઊભી રખાવી હતી. ફરિયાદીએ ગાડી ઊભી રાખી કાચ ખોલતાં જ આરોપીએ તેના હાથમાં રહેલી તલવારનો ઘા ઝીંક્યો હતો. તેમજ છરી તથા લાકડાના ધોકા વડે ગાડી પર ઘા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. પી. ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.