લીલીયામાં પટેલ સમાજની વાડી ખાતે શૈક્ષણિક વર્ષ ૧૯૭૭-૭૮માં અમૃતબા વિદ્યાલયમાં અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ‘વિસરાયેલ મિત્રતા’ સંમેલન યોજાયું હતું. પી.ડી. કણવાણી અને ભાનુભાઈ કાલાવડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં ૨૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વર્ષો બાદ મળેલા મિત્રોએ જૂની યાદો તાજી કરી હતી.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ભાનુભાઈ કાલાવડિયા, પીઢ શિક્ષણવિદ જયંતીભાઈ, આર.બી. પાઠક, પી.વી. ત્રિવેદી અને આર.પી. દવે સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ચાર દાયકાથી વધુ સમય બાદ અમૃતબા વિદ્યાલયના વિદ્યાર્થીઓ એકઠા થતાં સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. દાયકાઓ પછી સહપાઠીઓને મળીને સૌએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા અને શાળાજીવનના મીઠા સંસ્મરણો વાગોળ્યા હતા. આ મિલનથી સૌના ચહેરા પર આનંદ છલકાતો જોવા મળ્યો હતો.