મહીસાગર જિલ્લામાં સામે આવેલા કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડની તપાસમાં વડોદરા સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલા તત્કાલીન ડબ્લ્યુએએસએમઓ યુનિટ મેનેજર એ.જી. રાજપુરાની ધરપકડ કરી છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને રાજપુરાને હિંમતનગરના કનઈ ગામ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડ સાથે આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મહીસાગર જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનાના અમલીકરણ દરમિયાન મોટા પાયે ગેરરીતિ અને કરોડો રૂપિયાના કથિત કૌભાંડની વિગતો સામે આવી હતી. મામલો સામે આવ્યા બાદ વડોદરા સીઆઇડી ક્રાઇમ દ્વારા તત્કાલીન ડબ્લ્યુએએસએમઓ યુનિટ મેનેજર સહિત અન્ય સંકળાયેલા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં કેસમાં એક પછી એક નવા નામો સામે આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમની તપાસમાં વિવિધ કોન્ટ્રાક્ટરો, ગ્રામ પંચાયતના સરપંચો અને સરકારી કર્મચારીઓની કથિત સંડોવણી સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.કેસની તપાસ દરમિયાન એ.જી. રાજપુરાની સંડોવણી સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તપાસ ટીમને મળેલી બાતમીના આધારે હિંમતનગરના કનઈ ગામ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તત્કાલીન ડબ્લ્યુએએસએમઓ યુનિટ મેનેજર એ.જી. રાજપુરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી ગણાતા રાજપુરાની ધરપકડ બાદ તપાસમાં કૌભાંડ સાથે જાડાયેલી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. ખાસ કરીને કથિત નાણાકીય વ્યવહારો, કોન્ટ્રાક્ટરો સાથેના સંબંધો અને યોજનાના અમલીકરણમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ વધુ આગળ વધી શકે છે.નલ સે જલ કૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા અગાઉથી અનેક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં કોન્ટ્રાક્ટરો, સરપંચો અને સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. હવે મુખ્ય આરોપી એ.જી. રાજપુરાની ધરપકડ થતાં કેસમાં ધરપકડનો કુલ આંકડો ૫૫ પર પહોંચ્યો છે.મુખ્ય આરોપીની ધરપકડ બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા સમગ્ર કૌભાંડના નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ અને નાણાંની લેવડદેવડ કઈ રીતે થઈ હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સીઆઇડી ક્રાઇમની આગળની તપાસમાં કૌભાંડસાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકા અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.