અમદાવાદના બાપુનગરની ઈએસઆઈસી મોડેલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી લાંચ માંગવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વટવા જીઆઈડીસી સ્થિત સિકયોરશીલ્ડ સિક્યુરીટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડેએ એક અરજદાર પાસેથી ૯૫,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે ફરિયાદ થતા એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને આ આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે.હોસ્પિટલમાં નોકરી આપવા માટે ૩૦,૦૦૦ રૂપિયાથી લઈને ૧.૫ લાખ રૂપિયા સુધીની લાંચ ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી હતી. આ મામલે એસીબી હેલ્પલાઇન ૧૦૬૪ પર બાતમી મળી હતી. જેના આધારે એસીબીએ ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ભ્રષ્ટાચારના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ ગુનાહિત ષડયંત્ર અને મદદગારી બદલ અન્ય મેનેજર પંકજકુમાર મિશ્રા, રાજીવ શુકલા અને જયેશ ચૌધરી સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસીબીની ટીમે લાંચ પેટે લીધેલા પૂરેપૂરા ૯૫,૦૦૦ રૂપિયા ઘટનાસ્થળેથી જ રિકવર કરી લીધા છે.તપાસ દરમિયાન કંપનીની ઓફિસના ટેબલમાંથી ૨,૨૯,૦૦૦ રૂપિયા અને મેનેજરની બેગમાંથી ૧૯,૨૯,૯૦૦ રૂપિયા મળી આવ્યા હતા. એસીબીએ કુલ ૨૧,૫૭,૯૦૦ રૂપિયાની શંકાસ્પદ રોકડ રકમ જપ્ત કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.