બગસરા શહેરમાં શુક્રવારના રોજ અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી હતી. છેલ્લા બે દિવસથી હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા હતા, ત્યારે શુક્રવારે સવારે વાતાવરણમાં ભારે બફારો અનુભવાતો હતો. સવારના આશરે ૧૧ વાગ્યે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર ૧૫ મિનિટના ટૂંકા ગાળામાં અંદાજે ૮ મીમી વરસાદ નોંધાતા શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.વરસાદ એટલો તીવ્ર હતો કે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળી હતી. બીજી તરફ, ખેતરોમાં ઉભેલા પાકને પણ આ વરસાદથી નવજીવન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.






































