સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. નાવલી નાની સિંચાઈ યોજના તરીકે ઓળખાતા સુખનેરા ડેમમાં સૌની યોજના લિંક-૪ ફેઝ-૨ અંતર્ગત નર્મદા નદીના પાણી પહોંચાડવામાં આવ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પૂજન-અર્ચન કરી નર્મદાના નીરનું વધામણું કર્યું હતું.જળસંપત્તિ વિભાગ દ્વારા પાઇપલાઇન મારફતે ડેમ સુધી પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ડેમમાં પાણીનો સંગ્રહ વધતા આસપાસના કૂવા, બોર અને વાવના જળસ્તરમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતાં શિયાળુ અને ઉનાળુ પાકમાં પણ લાભ થશે. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.