આખરે હવે ક્રમશઃ શીતકાળની જમાવટ થવા લાગી છે. એનાથી રાત્રિના રૂપ બદલાઈ ગયા છે. આપણો શિયાળાનો અનુભવ, પશ્ચિમના દેશોની તુલનામાં બહુ આછો અને ઓછો છે. છતાં જરાક શિયાળો એના અસલ સ્વરૂપમાં પ્રગટ થાય કે તરત જ સમાજજીવનમાં સનસનાટી મચાવતી શીતકથાઓ અને વાર્તાલાપો શરૂ થઈ જાય… આજે તો બહુ ઠંડી છે નંઈ…? વહેલી સવારના અખબારમાં ઠંડી વધુ હોવાના સમાચાર વાંચીને કેટલાક વાંચકોને ઠંડી હોય એથીય અધિક અનુભવવા મળે ! પશ્ચિમના દેશોમાં સમર મહેમાન જેવી મોસમ છે પરંતુ વિન્ટર તો છે, છે અને છે. યુરોપ અને અમેરિકાના દેશોમાં ઠંડી જ સર્વકાલીન છે. તડકો નીકળે એ એમને માટે ગોલ્ડન ડે હોય. આપણો દેશ તો ઋતુઓના વૈવિધ્યથી ભરપૂર છે.
આપણે ત્યાં શિયાળો ઉત્તર ભારતમાં એના પૂર્ણ રૂપે અવતરે છે. પરંતુ એ સિવાયના ભારતને શિયાળાનો જે અનુભવ છે તે હળવો છે. હિમાલયની ગિરિમાળાઓની તળેટીમાં આવેલા પ્રદેશો નિરંતર શીતકાળનો અનુભવ કરે છે, કારણ કે હિમાલય દુનિયાનો ત્રીજો ધ્રુવ પ્રદેશ છે. શિયાળામાં સૌને ઓછુંવત્તુ એકાંત મળે છે. આ એકાંત મહત્અંશે સ્વજનોના સહવાસની ઝંખનાવાળું હોય છે. નાના હોઈએ ત્યારે મા શિયાળામાં આપણને બહુ સાચવતી હોય એટલે શિયાળો આવે ત્યારે મા યાદ આવ્યા વગર ન રહે. વારંવાર ઓઢાડતી હોય પોઢાડતી હોય. બાળપણના મોટાભાગના સ્મરણો ચોમાસાથી ભીંજાયેલા હોય છે, પરંતુ એના પછી તરત જ શિયાળાના સ્મરણો મનની સપાટી પર તરી આવે છે.
શિયાળામાં વિરહની આગ વધુ પ્રજ્વલિત હોય છે. આ સંસારમાં અનેક પ્રકારના વિયોગ છે. માતા-પિતા હયાત હોય તો પણ એનાથી દૂર રહેવાનો ઘરઝૂરાપો સંતાનોને લાગે છે. જેઓને જિંદગીમાં વિધવા કે વિધુર થવાનું આવે એમના માટે સ્વજનના મૃત્યુ પછીનો પહેલો શિયાળો બહુ આકરો હોય છે. સમય પણ ઠંડીમાં જાણે કે થીજી જાય છે. હિમશીલાઓ વચ્ચે અસ્તિત્વ ઊભે-ઉભું ચણાઈ જાય છે. યુરોપિયન દેશો શીતાગાર જેવા છે. શિયાળાનો એમનો અનુભવ જીવનના એક અવરોધક પરિબળ તરીકે છે. આપણે ત્યાં વસંતઋતુ પૂરબહારમાં ખીલેલી હોય છે અને પ્રમાણમાં લાંબી ચાલે છે એટલે વાસંતી ગીતોનો મોટો ફાળો આવેલો છે પરંતુ યુરોપિયન દેશોમાં અવારનવાર વિન્ટર સોંગ સાંભળવા મળે છે. ત્યાં વિન્ટર સોંગના અનેક રંગો છે. પરંતુ એમાં મુખ્ય સ્વર કરૂણ છે.
શિયાળો અંતર પાડી દે છે. રસ્તાઓ પર બરફ પથરાઈ જાય છે. એ બરફ ક્યારેક સંબંધો પર પણ ફરી વળે છે. પ્રિયતમા એના પ્રિયતમને બારી પાસે ઊભા રહીને સાદ કરે છે અને કહે છે કે હે પ્રિય, તું મારા બાહુપાશમાં નથી એ જ બતાવે છે કે ખરેખર શીતકાળ બહુ કાતિલ હોય છે. તારી પાંપણો પર એટલો બરફ જામી ગયો છે કે તું મારી પાસે આવવાના રસ્તાનેય નિરખી શકતો નથી ? શું તારા હૃદય પર પણ બરફ છે જે એક સમયે મારે માટે ધબકતું હતું ? કેટલોક બરફ એકવાર થર બાઝે પછી ક્યારેય પીગળતો નથી. શિયાળો જ્યારે બે વ્યક્તિની વચ્ચે પ્રવેશે છે ત્યારે એ દીવાલ જેવો હોય છે. આ અર્થમાં ઠંડક બહુ સ્વીકારવા જેવી વસ્તુ નથી. સંસારનું અને સંબંધોનું ચાલકબળ ઉષ્મા છે. એક વખત ઉષ્મા ઘટે પછી એ ઘટતી જ રહે છે. બે સમાંતર રેખાઓને એક છેડેથી સહેજ જ અંતર વધારો પછી તો આગળ જતાં એ અંતર લાખો યોજનનું થઈ જાય છે. જેને ચાહતા હોઈએ એમાં ઉષ્મા ઘટવા ન દેવી એ મહાપુરુષોનું કામ છે. સંબંધોની પવિત્રતા એક જ એવો જાદુ છે જે ઉષ્માને ચિરંતન ટકાવે છે.
શિયાળો પાંદડાઓને ખંખેરે છે પણ થડને સ્પર્શ કરતો નથી કારણ કે એના મૂળ ઊંડા છે. જેના મૂળ ઊંડા હોય એ જ આ વિયોગને પાર કરી શકે છે. જો એમ ન હોય તો ખરખર પાંદડે ખરી જવાનું. સંબંધો પાંગરતા રહે છે એમ ખરતા પણ રહે છે. એમાં જે અવિચળ રહે છે તે જ સંબંધ છે બાકી તો બધું જ હવાની અમથી લહેર. વિન્ટર સોંગમાં પ્રિયતમા કહે છે કે વણઝારાના પડાવની જેમ પાદરમાં વિન્ટરનો મુકામ છે. યૌવન વીતી રહ્યું છે ને મારી શ્વેત થતી જતી કેશલતા પર મારી સખીઓ હસી રહી છે.
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની જમાવટ સોળે કળાએ ખીલી છે. શિશિર ઋતુ સર્વ દિશાઓમાંથી સૂસવાટા બોલાવે છે. વૃક્ષ-વનરાજિના પાંદડા સોનેરી થઈને પૃથ્વી પર અભિષેક કરી રહ્યાં છે. પરંતુ ભારતીય મનુષ્યની જિંદગી ભલે કોરોનાને કારણે જરાક આજકાલ આડે પાટે ચડી ગઈ હોય. ઉત્તર ભારતના ખાસ તો હિમાલયની તળેટીથી નીચેના વિસ્તારના સર્વ ઊંચા પર્વત ઉપર બરફ છવાયેલો છે. નગાધિરાજ સ્વયં તો બરફાચ્છાદિત છે જ. વહેલી સવારના ગાઢ ધુમ્મસના પડદાઓ વાતાવરણને ઢાંકી દે છે. ધુમ્મસની રજાઈમાં વસુંધરા લપાઈ ગઈ છે. બહુ નજીકના અંતરે પણ આંખો કામ કરતી નથી. ઉત્તર ભારતમાં નાગરિકોની દિનચર્યા મધ્યાહન થવા આવે ત્યારે શરૂ થાય છે અને જરાક બપોર ઢળે કે તેમનો દિવસ પૂરો થઈ જાય છે.
કોરોના ઉપરાંત શિયાળો પોતે જ જિંદગી સાથે ખતરનાક રમત રમતો હોવાથી દેશમાં અનેક શિયાળુ રમતોત્સવ રદ થયા છે. રસ્તાઓ સાંજ પડે કે સન્નાટામાં ફેરવાઈ જાય છે. પંખીઓ થરથર કાંપતા માળામાં છુપાયેલા છે. ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં હજારો પંખીઓ મધરાતે ઝાડ પરથી પડ્યા છે ને મૃત્યુ પામ્યા છે. ઠંડીનો રાઉન્ડ સામાન્યતયા બે-ત્રણ દિવસ ચાલતો હોય છે. વળી ફરી સૂર્યનો સોનેરી તડકો વહાલો લાગે છે. પરંતુ આ વખતે એવું નથી. આ વખતે ઠંડીના મોજાને બદલે ઠંડીનો દરિયો જ ભારતીય પ્રવાસે આવ્યો છે ને હિલ્લોળા લઈ રહ્યો છે એવું લાગે છે. એક પછી એક દિવસ ઠંડી વધતી જાય છે. રાત્રિઓનું સૌન્દર્ય જૂઈ ચમેલી જેવું છે પણ એનો સાક્ષાત્કાર તો કોઈ વિરલા જ કરી શકે. જેઓ મહાનગરોમાં ઊંચા મકાનોમાં વસે છે તેમને અને તળિયે ઝૂંપડાઓમાં વસનારાઓને એકસરખી રીતે ચારે બાજુથી શિયાળાએ ઘેરી લીધા છે. એમને ચારેય દિશાના વા વાય છે. પહાડી તળેટીમાં વસેલા ગામડાઓમાં પણ જીવન વેરવિખેર થઈ ગયું છે. આ વખતે તો શિયાળો ભારત સરકારના હવામાન વિભાગની મજાક ઉડાડવા માટે જ આકરો બનીને આવ્યો છે. હજુ તો ઈસુના નવા વરસે ઉત્તરાખંડ, બિહાર અને ઝારખંડમાં બરફના કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં શિયાળાની રોનક જુદી જ છે.










































