‘પંડ્યના ઇ પંડ્યના ને પારકા ઇ પારકા. કાલ સવારે વહુ આવશે તો ભોલિયો તને સાચવશે ? મને તો વિશ્વાસ નથી. આંગળીથી નખ વેગળા ઇ વેગળા જ રહે… મેં પાંચ વરસમાં તને બહુ કીધું પણ તું ન માની. શું કામ તારે પેટે સંતાન ન થવા દીધું એ મને કહીશ ? ’
‘ આજે તમે પૂછ્યું છે તો કહું કે હું હેતના ભાગલા પાડવા નહોતી માંગતી.’
‘એટલે ? ’ મનુ ઉભો થઇ ગયો.
‘બસ, ભોલિયા ઉપરના મારા હેતમાં કોઇ વારસ ઉભો થાય ને કાલ સવારે મારાથી વારો-તારો થઇ જાય તો ભોલિયાના હૈયાની આહ લાગી જાય ને મને તો પાતક લાગી જાય…’
‘ એટલે… એટલે તે દુનિયા, સમાજ અને ભોલિયાને ખાતર તારો કોઠો વાંઝિયો રાખ્‍યો ? ’
‘ એવું ન બોલો, ભોલિયો મારો જ છે ને ! મારો પંડ્યનો દીકરો છે ! અને એની ઉપર મને વિશ્વાસ છે. એ મને સાચવશે. તમારો વહેમ જૂઠો છે’ મનુ, મણ એકનો ‍નિકાહો મૂકી સૂઇ ગયો.
માંડ બે મહિના ચાકરી ભોગવીને મનુ લાંબે ગામતરે ચાલ્‍યો ગયો. ભોલિયો- વસુ એકલા પડ્યા. દિવસો વરસો બની ગયા. ભોલિયો, ભોલિયામાંથી ભાવેશ બન્‍યો. માએ પેટે પાટા બાંધીને પણ ભણાવ્‍યો. પી.ટી.સી. કરાવ્‍યું, શિક્ષકની નોકરી મળી અને ચંપકલાલની મીના સાથે સગાઇ પણ કરી નાખી. મીના પૈસાદાર બાપની એકની એક દીકરી. પૂરી સ્‍વતંત્રતામાં ઉછરેલી સ્‍વછંદી છોકરી હતી. લગ્‍ન પછી માંડ બે-ત્રણ મહિના ઠીક ચાલ્‍યું… ભાવેશ નોકરીએ જતો ને મીના, પોતાના રૂમમાં જઇને સૂઇ જતી. વસુ કામ ઘસડતી… સાંજે સાડા ચારે મીના બનીઠનીને બેસતી. જેવો ભાવેશ આવતો કે તેને બહાર ઘસડી જતી…
ભાવેશને બહુ ગમતું નહીં… પરંતુ પત્‍નીને નારાજ કરવા માંગતો નહોતો… પણ જૂઠું લાંબો સમય ચાલતું નથી. તેણે એક વખત કહ્યું, ‘ તું માને ઘરકામમાં મદદ કરે તો સારું, મા આ ઉંમરે થાકી જાય છે.’
મીના ગર્જી ઉઠીઃ ‘તે આખો દિવસ હું જ બધું કરું છું ને ! તમારી માને કાંઇ નથી કરવું પડતું…’ ભાવેશ કશું બોલ્‍યો નહીં. એકવાર ઓચિંતો ઘરે આવ્‍યો તો મીના પાડોશમાં બેસવા ચાલી ગયેલી. મા બધું કામ કરતી હતી. તેણે પાસે બેસીને માને પૂછ્યુંઃ ‘કેમ મા, શા માટે કરે છે તું આ બધો ઢસરડો ? ’
‘… તો કોણ કરે બેટા ? ’ માની આંખમાં આંસુ આવી ગયા. તે બાજુમાં જઇને મીનાને બોલાવી લાવ્‍યો. ઝઘડ્‌યો. વાતવાતમાં એક તમાચો ચોડી દીધો. મીના પિયર જતી રહીઃ વાત વટે ચડી ગઇ.. મીનાએ કહ્યું ‘તમારી માથી જુદુ રહેવું હોય તો આવું….’
‘ એ નહીં બને…’ ભાવેશે કહી દીધું પણ મા ન માની. એ જઇ ચંપકલાલને હાથે-પગે પડીને મીનાને તેડી આવી. ભાવેશ ઘરે આવ્‍યો ત્‍યારે મીના આવી ગઇ હતી. ‘મા..’ કરતો એ અંદરના રૂમમાં વળ્યો કે મીનાએ બાવડું પકડીને કહ્યુઃ ‘ આપણો રૂમ આ બાજુ છે. મા આપણાથી નોખી થઇ ગઇ છે..’ ભાવેશને એક સામટા હજાર વીંછીઓનું ઝેર ચડી ગયું. ‘ઘર’ના બે ભાગ પડી ચૂકયા હતા. મા સાંજે’કના આવી. એક શીશીમાં તેલ હતું. નાના નાના પડીકામાં ચા, ખાંડ, દાળ, મરચું, મીઠું વગેરે હતા. તે માને ખભે માથું ટેકવી રડી પડ્‌યો.
‘ અરે ગાંડા… શા માટે રડે છે ? હું કયાં તારાથી આઘી ગઇ છું ? તારી પડખે જ છું જો..’
‘ મને રડવું એનું નથી આવતું, પણ રડવું એનું આવે છે કે એક દિ’ તે મારા પિતાજીને હોસ્પ્‍ટિલમાં જે હૈયાની વાત કહી હતી તે મે સાંભળી હતી.. મને તેનું રોવુ આવે છે. મા, તારા સગા કોઠેથી એક દીકરો પેદા થવા દીધો હોત તો ? ’
‘એવુ ન બોલ ગાંડિયા… તું મારો જ છે ને ?’ માએ એના હોઠ ઉપર હાથ મૂકી દીધો…! બે ત્રણ મહિના નીકળી ગયા. એક રાતે માને ખૂબ તાવ ચડ્‌યો ખૂબ ટાઢ ચડી. કણસતી કણસતી ધ્રૂજતી તેણે એના ઓરડાની સાંકળ ખખડાવી.
‘ કોણ?’ ભાવેશ બોલી ઉઠ્‌યો.
‘ એ તો હું મા…’
‘મા‘ નું નામ પડતાં જ તે ઉભો થઇ ગયો. બારણું ખોલીને જોયું તો મા ડગુમગુ ઉભી હતી. ‘બેટા, મને તાવ આવ્‍યો છે. ટાઢ ચડી છે. ચક્કર ચડે છે… મને તાત્‍કાલિક દવાખાને- ’
‘ હા… મા. ઉભી રહે. સુરાકાકાની રિક્ષા કરતો આવું…’ કહી તે બહાર નીકળ્યોક્‌ પણ એ પહેલાં મીના બહાર આવીને બરાડીઃ ‘તાવ તો અઠવાડિયાથી આવે છે. બોલવું ન જોઇએ ? અત્‍યારે કોણ દવાખાને ભોજિયોભાઇ હોય… વખત તો જોતા હો તો – ’
વસુ આગળ ન સાંભળી શકી. એ રગરગી ઉઠીઃ
‘ એ બેટા, રહેવા દે, વહુની વાત સાચી છે. સવારે જાશું…’
‘ ના મા…’
‘ મારા સમ બેટા… મને બે-ત્રણ ગોદડાં ઓઢાડી દે. હમણા ટાઢ ઉડી જશે.’
ભાવેશ કમને પાછો વળ્યો. કલાક બેઠો. મા ઉંઘી ગઇ હોય એમ લાગ્‍યું. વહેલા સાડા ચારે સૂતો પણ સવારે મા ઉઠી જ નહીં. કયાંથી ઉઠે ? તેણે સદાયને માટે આંખો મીંચી દીધી હતી. ‘મા‘ ના નામનું સંબોધન હવે જિંદગીમાંથી બાદબાકી થઇ ગયું હતું. ભાવેશનું હૈયુ હીબકાં ભરતું રહ્યું.
બારમું પત્‍યું. એના ઓરડામાં રહેલો તેના લગ્‍ન વખતનો જૂની પતરાનો ટ્રંક ખોલ્‍યો. તો અંદર પોતાના જ લગ્‍ન વખતે ઓઢેલા પાનેતરનું પોટલું વાળીને મૂકયું હતું. ભાવેશે ખોલ્‍યું તો રોકડા રૂપિ‍યા હતા. બચતપત્રો હતા. સોનાના દાગીના હતા. એક જર્જરિત કાગળમાં ઝાંખા પાંખા અક્ષરોમાં લખ્‍યું હતું. ‘મારા ભોલિયા માટે…’