રાખનાં રમકડાં
સાંજના સાડા આઠ વાગે બધા એક સાથે જમવા બેઠા. મહેશ કંઇક બોલવા જતો હતો પણ બોલ્યો નહીં. એટલે પછી જમવાનું તો એમ જ પૂરૂં થયું. જમીને તરત જ દામલ અને મહેશ બેઠક રૂમમાં સોફા પર શાંતિથી બેસી રહ્યા.
શાંતુ રસોડાનું કામ કરવા લાગી અને બરાબર સવા નવ વાગે કિંમતી ગાઉન પહેરીને બેઠક રૂમમાં દાખલ થઇ. આવા નાઈટ ડ્રેસમાં શાંતુ ખરેખર સાવ જ નાનકડી છોકરી જેવી દેખાતી હતી. મહેશ તો એકધારો તેને જાતો જ રહ્યો. ત્યાં તો દામલ પાસે સોફામાં બેસતાંની સાથે જ તેણે કહ્યું: “ જુઓને…, આ મહેશ તો હજી પણ આપણને સાવ પારકાં ગણી રહ્યો છે….”
“કેમ…? આપણે તેના માટે પારકાં છીએ…?” દામલે પૂછયું.
“ જાને… એ મને કહેતો હતો કે, આપણા મકાનની આજુબાજુ કોઇ ભાડાનો રૂમ મળી જાય તો…” શાંતુ આટલું બોલી જાણી જોઇને આગળ બોલતા અટકી અને પછી મહેશ સામે જોવા લાગી.
“અમે હજી બેઠા છીએ, મહેશ…!” હવે દામલે મહેશ સામે જોઇને સારા મૂડમાં કહ્યું: “આ મારૂં મકાન તો તે જાયું છે ને ? બધી જ સગવડતા છે. રોડ પરથી રૂમમાં સીધું આવવું હોય તો આવી શકાય તેવી સગવડ પણ છે. આમાંથી એક રૂમમાં તારે રહેવાનું છે. બીજે કયાંય જવાની જરૂર નથી, સમજ્યો ? આ અમારા ઘરમાં બધી જ સગવડ છે, બધી જ વ્યવસ્થા છે. હવે રહી ખાવાની વાત. તો સાંભળ: અત્યારે આપણે જેવી રીતે જમ્યા તેવી જ રીતે રોજ-રોજ તારે જમવાનું છે. હા, કયારેક વહેલા મોડું થાય તો ચલાવી લેવું પડે બોલ… ? હવે તારે કંઇ પૂછવાનું છે..?” મહેશ સામે નજર માંડતા દામલ બોલતો અટક્યો.
“આ મારા પ્રત્યેની તમારી લાગણી બોલે છે, સર ! સારૂં…, હુ અહી જ રહીશ. પરંતુ એક શરતે રહીશ…” મહેશ બોલ્યો.
“વળી શરત…? કેવી શરત છે તારી…?” શાંતુએ આશ્ચર્ય સાથે પૂછયું.
“રહેવા માટે રૂમના અને જમવા માટે ભોજનના રૂપિયા તમારે લેવા જ પડશે…” મક્કમતાથી મહેશે કહ્યું.
“ચાલો… આ તેં સાચું કહ્યું. પરંતુ તારી પાસેથી હું તે રૂપિયા નહીં જ લઉં. જા તારે રૂપિયા આપવા જ હોય તો આ તારી ભાભી અને તું બન્ને અરસ-પરસ સમજી લેજા. મારે તો કંઇ લેવા-દેવા નહીં, બસ….! ”
ભાભીની કુશળતા જોઇ ઘડીવાર તો મહેશ ખરે જ આશ્ચર્યચકિત થઇ ગયો. છતાં એ કશું બોલ્યો નહીં. પરંતુ એ તો સત્ય જ હતું કે, મહેશને આ મકાનમાં રહેવાનું અને સાથે સાથે જમવાનું પણ નક્કી થઇ ગયું હતું. એટલે તો બીજે જ દિવસે પોતે નક્કી કરેલા રૂમમાં તેની બેગ અને થેલો વ્યવÂસ્થત રીતે રાખી દીધો. પલંગ અને બીજી બધી જોઇતી ઘર-વખરી રૂમમાં હતી જ. એ રૂમમાંથી બહાર રોડ પર દ્વાર હતું જે આજ સુધી બંધ જ હતું. બહાર તરફ જોવા માટે મહેશે એ દ્વાર ધીમેથી ખોલ્યું. એ સાથે તાજી હવા રૂમમાં આવતા તેને ખૂબ જ આનંદ થયો. આવી અને આટલી સરસ સગવડતા મળતા પ્રથમ તો મહેશે મનોમન શાંતુ ભાભીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માન્યો.
સમય અને સંજાગો અવિરતપણે ચાલ્યા જ કરે છે, સાથે સાથે બદલાયા પણ કરે છે. હવે મહેશ તેના નક્કી કરેલા સમયે પંચાયત ઓફિસે જવા લાગ્યો. દામલ સવારમાં સ્કૂલે ચાલ્યો જાય. તો શાંતુ વળી બપોરના સમયે સ્કૂલે ચાલી જાય. આમ બે-ચાર દિવસ પસાર થયા.
એક દિવસ રોજના સમય પ્રમાણે દામલ તો તૈયાર થઇને નિશાળે પહોંચી ગયો. મહેશને તો અગિયાર વાગ્યે પંચાયત ઓફિસે જવાનું હોવાથી તે તો હજી ઊંઘતો હતો. શાંતુ પણ દામલ સ્કૂલે જાય પછી ઘરનું વાસી કામ પ્રથમ પૂરૂં કરી લેતી. બધું કામ થઇ ગયા પછી જ… છેલ્લે નાહવાનું કામ કરતી.
મહેશ આજે સવારે નવ વાગે ઊઠ્યો. હવે તો તેને તેના રૂમમાં જ બાથરૂમમાં નાહવાનું હતું. શૌચાદિ ક્રિયાકર્મ પૂરા કર્યા પછી તે નાહવા ગયો. નાહીને તે તૈયાર થઇ ગયો. પછી રોજના નિયમ મુજબ પેપર એટલે કે વર્તમાન પત્ર વાંચવા માટે મુખ્ય બેઠક રૂમમાં તે આવી પહોંચ્યો. બેઠક રૂમમાં આજે સોફા પર ન બેસતા તે ઇજી-ચેર પર બેસીને પેપર વાંચવામાં મશગુલ થયો. થોડી વાર થઇ હશે, ત્યાં તો….
ત્યાં તો મહેશના શ્વાસ અધ્ધર ચડી ગયા. તે ખૂબ જ ગભરાઇ ગયો. એ…. એક એવું જીવંત દ્રશ્ય જાઇને તેની આંખો તો સાચે જ ખુલ્લી રહી ગઇ. એ સાથે તેના શ્વાસ ખૂબ જ વધ્યા, ગભરાટ પણ વધ્યો. (ક્રમશઃ)











































