ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક રહેણાંક મકાનમાં ઘૂસી આવેલા દીપડાએ ૮ વર્ષની બાળકી પર અચાનક હુમલો કરતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ વિનુભાઈ પાટડીયાની બાળકી પર પરિવારના સભ્યોની નજર સામે જ દીપડાએ હુમલો કર્યો હતો. બાળકી પર દીપડો હુમલો કરી રહ્યો હતો ત્યારે પરિવારજનો તાત્કાલિક દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દલખાણીયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ દીપડાને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.