અમરેલી જિલ્લાના શેત્રુંજી વન વિભાગની લીલીયા રેન્જમાં મોડી રાત્રે એક સિંહણ રેલવે ટ્રેક પર આવી ચડતા વનવિભાગ અને રેલવે તંત્ર સતર્ક બન્યું હતું. અંટાળીયા તરફથી આવતા રેલવે ટ્રેક પર માઈલસ્ટોન નં. ૨૮/૧ અને ૨૮/૨ વચ્ચે સિંહણ જોવા મળી હતી. ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેસ્ટર ઇમરાન પઠાણ, વનમિત્ર અને રેલમિત્રની ટીમે સિંહણ પર નજર રાખી હતી. સિંહણને ટ્રેક પરથી ખસેડવા બે વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા. આશરે અડધો કલાક ટ્રેન રોકી રાખવામાં આવી હતી. બાદમાં સિંહણ ટ્રેક પરથી પસાર થઈ કુદરતી રહેઠાણ તરફ જતા ટ્રેનને રવાના કરાઈ હતી. ટીમોની સતર્કતાથી અકસ્માત ટળ્યો હતો.









































