ઊનાના સેજલીયા ગામે લાંબા સમયથી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ દીપડા દિવસ-રાત ગામની શેરીઓમાં ઘૂસીને ગ્રામજનોએ પાળેલા ગાય, ભેંસ અને બકરાંનું મારણ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોની ફરિયાદોને પગલે, સેજલીયા ગ્રામ પંચાયતના સરપંચ ભોળાભાઈ ભાલિયાએ વનવિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી પાંજરા મૂકવાની માંગણી કરી હતી. જોકે, વનવિભાગ દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. સેજલીયા ગામ દરિયાઈ સીમા વિસ્તારમાં આવેલું છે, જ્યાં બાવળના વૃક્ષો મોટા પ્રમાણમાં કુદરતી રીતે ઉગી નીકળ્યા છે. આ ગાઢ ઝાડીઓમાં દીપડાઓએ વસવાટ કર્યો છે. આ દીપડાઓ કોઈપણ સમયે ગામની વચ્ચે માનવ વસ્તીની શેરી-ગલીઓમાં ભટકતા જોવા મળે છે. રહેણાંક વિસ્તારોમાં બાંધેલા કિંમતી પશુધનનો શિકાર કરીને તેઓ વારંવાર પશુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આના કારણે ખેડૂતો અને ગ્રામજનો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. આ દીપડા મકાનોની અગાસીઓ પર પણ ચડી જાય છે. રોડ-રસ્તાઓ અને કાંટાળા બાવળ વચ્ચે છુપાઈને બેઠા રહેતા આ દીપડા અચાનક તરાપ મારીને દૂધાળા પશુઓનું મારણ કરે છે.









































