અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી કરતું નેટવર્ક બહાર આવ્યું છે. ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં શીલજ વિસ્તારમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ મોપેડ પર હાઇબ્રીડ ગાંજા વેચવા માટે જઈ રહ્યા હતા ત્યારે ચેકિંગ દરમિયાન તેમની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા. આ કાર્યવાહી બાદ નશાનો વેપાર કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસે યશ ચૌહાણ અને નીરજ પટેલ નામના બે આરોપીઓને ૨૪૫ ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી છે. જેની કિંમત અંદાજે રૂપિયા ૮.૫૭ લાખ થાય છે. પોલીસે તેમની પાસેથી ગાંજા ઉપરાંત મોપેડ, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૯.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ શીલજ ગામ પાસે નશીલા પદાર્થનું વેચાણ કરવા નીકળ્યા હતા. ત્યારે જ પોલીસના જાળમાં ફસાયા હતા. હાલ બંને વિરુદ્ધ કેસ નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી નીરજ પટેલ પાંચ વર્ષ અમેરિકા રહી આવ્યો હોવાનું અને યશ ચૌહાણ દલાલી તથા ટ્રેડ માર્કેટનું કામ શીખતો હોવાનું બહાર આવ્યું છે. બંને આરોપીઓ ગાંજાના વ્યસની હોવાના કારણે નફો કમાવવા માટે આ ગેરકાયદેસર ધંધામાં જાડાયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ સુરત જઈ ત્યાંથી કેનિલ પટેલ નામના સપ્લાયર પાસેથી અંદાજે રૂપિયા ૧.૬૦ લાખમાં ગાંજાનો જથ્થો ખરીદી લાવતા હતા. અત્યાર સુધી તેઓ ચારથી પાંચ વખત આ પ્રકારની હેરાફેરી કરી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપીઓ ટુ-વ્હીલર દ્વારા ગાંજાને નાના પેકેટમાં પેક કરીને બોપલ, શેલા અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે પોલીસે સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે તપાસ તેજ કરી છે અને સુરતના વોન્ટેડ પેડલર કેનિલ પટેલની શોધખોળ હાથ ધરાઈ છે. સાથે જ અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશાના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.