નાગેશ્રી ગામના એક ખેડૂત સાથે ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ખેડૂત પોતાના ખેતરનો કપાસ વેચવા માટે રાજુલા માર્કેટયાર્ડમાં આવ્યા હતા. કપાસનું વેચાણ કર્યા બાદ તેમને મળેલા રૂ. ૨૦,૦૦૦ તેમણે સુરક્ષિત રીતે પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાં રાખ્યા હતા. બાદમાં તેઓ પોતાનું કામ પૂર્ણ કરી પરત ગામ જવા માટે રાજુલા બસ સ્ટેશન પર પહોંચ્યા હતા. બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ હતી. બસમાં ચડતી વખતે ધક્કામુક્કી વચ્ચે કોઈ અજાણ્યા તસ્કરે તકનો લાભ લઈ ખેડૂતના ખિસ્સામાંથી રૂ. ૨૦,૦૦૦ની રોકડ ચાલાકીથી ચોરી કરી લીધી હતી. બસમાં ચડી ગયા બાદ ખેડૂતને ખિસ્સું કપાયું હોવાની જાણ થતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બનાવ અંગે ખેડૂતે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તસ્કરને ઝડપી પાડવા માટે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.









































