હરસુરપુર દેવળીયા ગામના રાહુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહેતી યુવતિ સાથે તેમનો પ્રેમ સંબંધ હતો. રાહુલભાઈ આ સંબંધને લગ્નમાં પરિણમાવવા ઇચ્છતા હતા અને તેમણે યુવતીના પરિવાર સાથે લગ્ન માટે વાતચીત પણ શરૂ કરી હતી. જોકે, આશરે એક વર્ષ પહેલા યુવતીના પરિવારજનોએ આ સંબંધને લઈને સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ નિર્ણય બાદથી રાહુલભાઈ માનસિક રીતે વ્યથિત રહેતા હતા. મનમાં સતત દુખ અને નિરાશા વધતા તેઓ આજે આવેશમાં આવી ગયા હતા. પરિણામે, તેમણે પોતાના ઘરે ‘મોનાકોટો’ નામની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તેમની તબિયત બગડતા પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્‌યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.