શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિના મકવાણા સામે ઇસ્ટાગ્રામ પર જાતિવિષયક અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ઈસનપુર પોલીસે એક ઇસ્ટાગ્રામ યુઝર સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર વિવાદ ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર ખાતે વીડિયો બનાવવાના મુદ્દે શરૂ થયો હતો. મંદિર સાથે જાડાયેલા વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થયું હતું અને ત્યારબાદ એક યુઝરે કોમેન્ટમાં જાતિ અંગે અપમાનજનક શબ્દો લખ્યા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, નારોલ-નરોડા રોડ પર મુરલીધર સ્કાય ખાતે રહેતી હિના પ્રવિણભાઈ મકવાણાએ ભાડજ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિરના ઇસ્ટાગ્રામ પેજ પર વીડિયો શૂટિંગ અંગેની રીલ જાઈ હતી. આ રીલના આધારે તેમણે મંદિરનો સંપર્ક કર્યો હતો. મંદિર તરફથી આપવામાં આવેલા નંબર પર વાતચીત કર્યા બાદ ૪ સપ્ટેમ્બરની રાત્રે તેઓ પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા. જાકે, મંદિર ખાતે પહોંચ્યા બાદ અન્ય સેવકોએ વીડિયો બનાવવાની મંજૂરી ન હોવાનું કહી તેમને બહાર જવા જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મંદિર ખાતે બનેલી ઘટનાને લઈને હિના મકવાણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો બનાવીને સમગ્ર મામલો રજૂ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, ત્યારબાદ યુઝરે હિના મકવાણાનો ફોટો લઈને ટ્રોલિંગ કરતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
આ ટ્રોલિંગ વીડિયો બાદ ૬ સપ્ટેમ્બરે યુઝરે વીડિયો નીચે જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો હિના મકવાણાએ આક્ષેપ કર્યો છે. આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવી હિના મકવાણાએ ઈસનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.હિના મકવાણાની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે સંબંધિત ઇસ્ટાગ્રામ યુઝર સામે એટ્રોસિટી એક્ટ સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા કોમેન્ટ, વીડિયો અને સંબંધિત ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. કોમેન્ટ કોણે કરી હતી અને તેની પાછળનો સમગ્ર ઘટનાક્રમ શું હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદી હિના મકવાણાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ નાનપણથી જ જાતિના આધારે ભેદભાવનો સામનો કરી રહ્યાં હોવાનું તેમનું કહેવું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે લગભગ ૧૫ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતી વખતે પણ જાતિને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કેટલાક મકાનમાલિકો દ્વારા નોનવેજ ખાવા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવતો હતો અને ઘર ખાલી કરાવવાની ધમકી આપવામાં આવતી હતી. હિનાએ હવે આવી જાતિવિષયક ટિપ્પણીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ તેમણે પોતાના સમાજના લોકોને એકજૂથ થવાની અપીલ પણ કરી છે.હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર થયેલી ટિપ્પણી, ટ્રોલિંગ વીડિયો અને ફરિયાદમાં દર્શાવાયેલા અન્ય મુદ્દાઓ અંગે ડિજિટલ પુરાવાના આધારે તપાસ આગળ વધશે. આ તપાસ બાદ સમગ્ર ઘટનામાં કોની ચોક્કસ ભૂમિકા હતી અને કાયદા મુજબ આગળ કઈ કાર્યવાહી થાય છે તે સ્પષ્ટ થશે.










































