જન્માષ્ટમી નિમિત્તે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સેનાના સંયુક્ત ઉપક્રમે ભક્તિમય વાતાવરણ વચ્ચે દિવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેસર રોડ સ્થિત સનાતન આશ્રમ ખાતે પૂજા-અર્ચના બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં ૧૦૮ બાળ-કાનુડાઓનું સ્વરૂપ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરીને શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે સંપન્ન થયેલી આ શોભાયાત્રા દરમિયાન કૃષ્ણના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓ સાથે સંતો-મહંતો, સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું હતું. આયોજક મંડળે કાર્યક્રમને સફળ બનાવવા બદલ નગરજનો, સહયોગી સંસ્થાઓ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.








































