લીલાયા તાલુકાના ક્રાંકચ ગામે ભાગીદારીમાં ખેતી અને ઉપાડના નાણાંની લેતીદેતી મામલે થયેલા વિવાદ બાદ પરિવારના ઠપકાથી વ્યથિત થઈને એક પુરુષે ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ક્રાંકચ ગામના રહીશ અશોકભાઈએ પોતાની ધારવાડી સીમ વિસ્તારમાં આવેલી ૨૧ વીઘા જમીન દિનેશભાઈ નાજાભાઈ ખીમસુરીયાને ૩૦ ટકાના મજૂરી ભાગથી વાવવા આપી હતી. તે દરમિયાન અશોકભાઈએ દિનેશભાઈને ઉપાડ પેટે રૂ. ૩૨,૦૦૦ આપ્યા હતા. જોકે, ખેતીકામ બાબતે બંને વચ્ચે મનમેળ ન થતાં અશોકભાઈએ આ જમીન અન્ય વ્યક્તિને ભાગે વાવવા આપી દીધી હતી. તા. ૩૦/૦૮/૨૦૨૬ના રોજ દિનેશભાઈ ખીમસુરીયા ક્રાંકચ ગામે આવ્યા ત્યારે અગાઉ આપેલા રૂ. ૩૨,૦૦૦ના ઉપાડના નાણાં પરત મેળવવા બાબતે અશોકભાઈ સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન દિનેશભાઈએ પોલીસ કેસ કરવાની વાત કરતા બંને પક્ષે સમાધાનની વાતચીત શરૂ થઈ હતી, જેમાં દિનેશભાઈએ સમાધાન પેટે પૈસાની માંગણી કરી હતી.આ સમગ્ર ઝઘડા અને વિવાદને પગલે અશોકભાઈના પરિવારજનોએ તેમને ઠપકો આપ્યો હતો. પરિવારના ઠપકાથી ભારે મનદુઃખ અનુભવી લાગી આવતા અશોકભાઈએ જાતે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના પી આઈ એમ ડી સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.








































