જાફરાબાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી રહી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો તેમજ ખેતીવાડી વિસ્તારમાં સિંહો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. આથી વઢેરા ગામના સરપંચ લખમણભાઈ બાંભણિયા દ્વારા વન વિભાગને લેખિત રજૂઆત કરીને માનવજીવન અને પશુધનની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે, સિંહોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે તેમજ સ્થાનિક લોકોને જરૂરી માર્ગદર્શન અને સાવચેતી અંગે માહિતી આપવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં જતાં ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ રહેતો હોવાથી વન વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની દેખરેખ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.










































