કપાસ ગુજરાતનો મહત્વનો રોકડિયો પાક છે. સારી ઉપજ અને ગુણવત્તાયુક્ત રૂ મેળવવા માટે પાકને વિવિધ રોગો અને શારીરિક વિકૃતિઓથી સુરક્ષિત રાખવો જરૂરી છે. જો સમયસર ઓળખ અને યોગ્ય નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદન તથા ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે રોગોના લક્ષણો, તેના કારણો અને નિયંત્રણની માહિતી જાણવી અત્યંત જરૂરી છે.૧. ખૂણિયા ટપકાનો રોગઃ આ રોગ જીવાણુજન્ય છે. શરૂઆતમાં પાન પર પાણીપોચા નાના ખૂણિયા આકારના ડાઘ જોવા મળે છે. સમય જતાં આ ડાઘ ભૂરા અથવા કાળા બની જાય છે અને એકબીજામાં ભળી મોટા અનિયમિત ડાઘનું સ્વરૂપ ધારણ કરે છે. રોગની અસર પાન ઉપરાંત છોડના બધા જ ભાગોમાં પણ જોવા મળે છે.
નિયંત્રણઃ
• વાવેતર પહેલા બીજને થાયરમ (૨-૩ ગ્રામ પ્રતિ કિલો) માવજત કરવી.
• રોગગ્રસ્ત પાન અને છોડના અવશેષોનો નાશ કરવો.
• સ્ટ્રેપટોસ્ય્કલીન ૦.૦૧% ૧ ગ્રામ + કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણ કરી થી ૩ વખત છંટકાવ કરવો.
•સ્યુડોમોનાસ ફ્‌લુરોસેન્સનો ૧૦ ગ્રામ પ્રતિ ૧ કિલોગ્રામ બીજમાં પટ આપવો અને ૦.૨% એટલે ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૩૦ દિવસના અંતરે ૩ વખત છંટકાવ કરવા.
૨. બળિયા ટપકાનો રોગઃ આ રોગ સામાન્ય રીતે પાકની પાછળની અવસ્થામાં જોવા મળે છે. શરૂઆતમાં નીચેના અને પાકેલા પાન પર નાના ભૂરા ડાઘ દેખાય છે. પછી તે ગોળ કે અનિયમિત આકારના બની કેન્દ્રિય વર્તુળો ધરાવતા ડાઘમાં ફેરવાય છે. રોગ વધતાં પાન સુકાઈ જાય છે અને ખરી પડે છે. ડાળીઓ તથા જીંડવા પર પણ તેની અસર જોવા મળે છે.
નિયંત્રણઃ • વાવેતર પહેલા બીજને થાયરમ (૨-૩ ગ્રામ પ્રતિ કિલો) માવજત કરવી.
• કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨%નું દ્રાવણ (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ દવા) અથવા મેન્કોઝેબ ૦.૨% (૧૦ લીટરમાં ૨૭ ગ્રામ દવા) ફૂગનાશકોનો ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.
• હેક્ઝાકોનાઝોલ ૦.૦૫% (૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી)નો ૧૫ દિવસના અંતરે ૨-૩ છંટકાવ કરવા.
૩. ભૂરી છારી/દહીયો/છાસીયોઃ આ રોગમાં પાકેલા પાન પર શરૂઆતમાં નાના ભૂખરા અથવા રાખોડી રંગના ડાઘ જોવા મળે છે. પછી તે વિસ્તરીને આખા પાનને અસર કરે છે. ગંભીર સ્થિતિમાં પાન પીળા પડી સુકાઈ જાય છે અને ખરી પડે છે.
નિયંત્રણઃ • રોગ દેખાતાં જ કાર્બેન્ડાઝીમ ૦.૦૫% (૧૦ લીટરમાં ૧૦ ગ્રામ) ફૂગનાશકનો છંટકાવ કરવો.
• કોપરઓક્ઝીક્લોરાઈડ ૦.૨%નું દ્રાવણ (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ દવા) ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
૪. મૂળનો સડો અથવા મૂળખાઈઃ આ રોગમાં છોડ અચાનક કરમાઈ જાય છે અને ખેતરમાં ગોળાકાર વિસ્તારમાં છોડ સુકાતા જોવા મળે છે. છોડને સહેલાઈથી ખેંચી શકાય છે અને મૂળ સડી ગયેલા જણાય છે. અંતે માત્ર રેસાદાર ભાગ જ બાકી રહે છે.
નિયંત્રણઃ
• મિશ્ર પાક તરીકે મઠ/અડદનું વાવેતર કરવું.
• કોપરઓક્ઝીક્લોરાઈડ ૦.૨%નું દ્રાવણ (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ દવા) અથવા મેન્કોઝેબ ૦.૨% (૧૦ લીટરમાં ૨૭ ગ્રામ દવા) નો મૂળ વિસ્તારમાં રેડીને ઉપયોગ કરવો તથા ૪-૫ દિવસ બાદ યુરીયા કે અમોનિયમ સલ્ફેટ આપવું.
• લાંબા ગાળાની પાકની ફેરબદલી, ખાતરનો સપ્રમાણ ઉપયોગ, લીલો પડવાશ, છાણીયું ખાતર (૨૦ ટન પ્રતિ હે.)/પ્રેસમડ/મરઘાનું ખાતર
(૨ ટન પ્રતિ હે.)નો ઉપયોગ કરવો. ૫. સુકારો ઃઆ રોગમાં છોડની નાની અવસ્થાથી જ પાન પીળા પડવા લાગે છે. છોડ ધીમે ધીમે કરમાઈ જાય છે અને અંતે સુકાઈ જાય છે. મૂળ કાપતાં અંદરની વાહિનીઓ ભૂરા કે કાળા રંગની જોવા મળે છે.
નિયંત્રણઃ
• વાવેતર પહેલા બીજને થાયરમ (૨-૩ ગ્રામ પ્રતિ કિલો) માવજત કરવી અથવા ટ્રાઇકોડર્મા (૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ) જૈવિક નિયંત્રણનીમાવજત આપવી.
• રોગપ્રતિકારક જાતોની પસંદગી કરવી.
• સારા કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.
• પાક ફેરબદલી અને સંતુલિત ખાતર વ્યવસ્થાપન અપનાવવું.
• ટ્રાઇકોડર્મા ફૂગ એરંડીના ખોળ સાથે મિશ્ર કરી જમીનમાં આપવું.
• રોગગ્રસ્ત છોડની આસપાસના ૪૦ થી ૫૦ છોડના મૂળ પાસે કોપરઓક્ઝીક્લોરાઈડ ૦.૨%નું દ્રાવણ અથવા કાર્બેંડાઝીમ ૦.૨%નું દ્રાવણ (૧૦ લીટરમાં ૪૦ ગ્રામ દવા) નો મૂળ વિસ્તારમાં રેડીને ઉપયોગ કરવો.
૬. લાલ પાનની સમસ્યાઃ કપાસમાં ઘણીવાર પાન પીળા પડી પછી લાલ રંગ ધારણ કરે છે. શરૂઆતમાં પાનની કિનારીઓ લાલ બને છે અને પછી આખું પાન લાલ થઈ જાય છે. ગંભીર સ્થિતિમાં પાન સુકાઈ ખરી પડે છે. આ સમસ્યા પોષક ત¥વોની ઉણપ, વાતાવરણમાં અચાનક ફેરફાર, વધુ ઝીંડવાથી ભરેલા પાક, લાંબા સમય સુધી ભેજ અથવા અન્ય શારીરિક પરિબળોના કારણે જોવા મળે છે.
નિવારણઃ
• સમયસર વાવણી કરવી.
• છોડને પુરતો નાઈટ્રોજન મળી રહે તે માટે૧ થી ૨% ડીએપી અથવા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો.
• મેગ્નેશિયમ તત્વની ખામી નિવારવા ૨૦-૨૫ કિલો પ્રતિ હેક્ટર મેગ્નેસીયમ સલ્ફેટ જમીનમાં વાવણી
આભાર – નિહારીકા રવિયા પેહલા નાખવું અથવા ૧% મેગ્નેસીયમ સલ્ફેટનું દ્રાવણ બનાવી ૯૦ દિવસે છોડ ઉપર છંટકાવ કરવો.
• જમીનમાં ભેજની ઉણપ દુર કરવા જરૂર જણાય ત્યારે પિયત આપવું.
૭. પાન અને ડાળીઓમાં વિકૃતિઃ ક્યારેક નિંદામણનાશક દવાઓના અનિયંત્રિત ઉપયોગ અથવા વિવિધ રસાયણોના અયોગ્ય મિશ્રણથી પાન, ડાળીઓ અને કળીઓમાં વિકૃતિ જોવા મળે છે. પાન વાંકાચૂકા, જાડા અથવા અસામાન્ય આકારના બની જાય છે.
નિવારણઃ
• ભલામણ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવો.
• રસાયણોનું અનિયંત્રિત મિશ્રણ ટાળવું.
• અસરગ્રસ્ત ભાગો દૂર કરીને છોડને યોગ્ય નાઈટ્રોજન યુક્ત ખાતર અને સિંચાઈ આપવી.
૮. પેરા વિલ્ટ, સુડાન વિલ્ટ અને ન્યૂ વિલ્ટઃ આ શારીરિક વિકૃતિઓમાં છોડ અચાનક કરમાઈ જાય છે. પાન પીળા પડી જાય છે, છોડ પાણીની અછત હોય તેમ દેખાય છે અને અંતે સુકાઈ જાય છે. જમીનમાં પાણી ભરાવું, મૂળના વિકાસમાં અવરોધ, પોષક ત¥વોની અછત અથવા અન્ય પર્યાવરણીય પરિબળો તેના મુખ્ય કારણો છે.
નિવારણઃ • જમીનમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું. • યોગ્ય નિતાર અને સિંચાઈ વ્યવસ્થાપન અપનાવવું.
• સારા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીને જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધારવી.
• પાકની જરૂરિયાત મુજબ સમયસર પિયત આપવી.
સંકલિત રોગ વ્યવસ્થાપનઃ કપાસના રોગોના અસરકારક નિયંત્રણ માટે માત્ર દવાઓ પર આધાર રાખવો પૂરતો નથી. રોગમુક્ત બીજ, બીજ માવજત, પાક ફેરબદલી, સંતુલિત ખાતર વ્યવસ્થાપન, યોગ્ય સિંચાઈ, ખેતરની સ્વચ્છતા, રોગગ્રસ્ત છોડનો નાશ અને ભલામણ મુજબ જ જૈવિક તથા રાસાયણિક નિયંત્રણ અપનાવવાથી રોગોનું પ્રમાણ ઘટે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂતો સમયસર પાકનું નિરીક્ષણ કરે અને શરૂઆતના તબક્કે જ નિયંત્રણના પગલાં ભરે તો નુકસાનને ઘણું ઓછું કરી શકાય છે.