આવતા ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બગસરા એસટી ડેપો ખાતે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એસટી વિભાગ દ્વારા યોજાયેલા આ સફાઈ અભિયાનમાં બગસરા તાલુકા ભાજપના પ્રભારી પ્રકાશભાઈ કારીયા, નગરપાલિકા પ્રમુખ નિરવભાઈ ગોંડલીયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી તેમજ નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું બગસરા એસટી ડેપો મેનેજર ગઢવીબેન દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસટી ડેપોના સમગ્ર પરિસરમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. મુસાફરોને સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેમજ મચ્છર અને દુર્ગંધની સમસ્યા ન રહે તેવા આશયથી આ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. એસટી વિભાગ અને પાલિકાના અગ્રણીઓની કામગીરીને ઉપસ્થિત લોકોએ આવકારી હતી.







































