સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત બાબરા તાલુકા પંચાયત દ્વારા ૧૫મી ઓગસ્ટના રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની પૂર્વસંધ્યાએ ગમાપીપળીયા ગામે વિશાળ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.આ અભિયાન દરમિયાન ગામના જાહેર માર્ગો અને પરિસરોની સઘન સફાઈ કરવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને સ્વચ્છ અને સુંદર ગામના નિર્માણ માટે જાગૃત કરાયા હતા.આ કાર્યક્રમમાં ગમાપીપળીયાના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ સાથે મળીને આ ઝુંબેશને સફળ બનાવી હતી.પ્રસંગોચિત સંદેશ આપતા જણાવવામાં આવ્યું કે, સ્વચ્છતા એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતાં રોજિંદા જીવનની ટેવ બનવી જોઈએ. “સ્વચ્છ ગામ, સુંદર ગામ, સ્વસ્થ ગામ’’ના સંકલ્પ સાથે યોજાયેલ આ પ્રવૃત્તિથી સમગ્ર ગામમાં સ્વચ્છતા પ્રત્યે એક નવી જાગૃતિનો સંચાર થયો હતો.