શહેરના જાહેર, મોડલ તથા મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીને વધુ આધુનિક, અસરકારક અને ઝડપી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહ¥વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ વર્કશોપ ખાતા મારફતે શહેરના રસ્તાઓ પરથી ધૂળ અને કચરો દૂર કરવા માટે કુલ ૧૦ ટ્રક માઉન્ટેડ રોડ વેક્યુમ સ્વીપિંગ મશીનો ખરીદવામાં આવશે. આ મશીનોના ઉપયોગથી માર્ગોની મિકેનાઈઝ્ડ પદ્ધતિથી દૈનિક સફાઈ કરવામાં આવશે.
એએમસી દ્વારા કુલ ૧૦ મશીનોની ખરીદી માટે અંદાજે રૂ. ૮.૭૦ કરોડ ઉપરાંત ૧૮ ટકા જીએસટીનો ખર્ચ થવાનો છે એટલે પ્રતિમશીનની કિંમત રૂ. ૮૭ લાખ ઉપરાંત ૧૮ ટકા જીએસટી રહેશે. દરેક મશીન દ્વારા દૈનિક આઠ કલાકની શિફ્ટમાં નિયત કરાયેલા મુખ્ય અને મોડલ માર્ગોની સફાઈ કરવામાં આવશે. વેક્યુમ ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રાફિકને અડચણરૂપ બન્યા વિના ઝડપી સફાઈ કરવાનો હેતુ છે.
મશીનોની ખરીદી સાથે આગામી પાંચ વર્ષ સુધી તેના સંચાલન, રિપેરિંગ અને જાળવણીની કામગીરી નિષ્ણાત એજન્સી મારફતે કરાવવામાં આવશે. પ્રથમ વર્ષના વોરંટી સમયગાળા દરમિયાન ઓપરેશન અને મેન્ટેનન્સ માટે પ્રતિમશીન, પ્રતિ આઠ કલાકની શિફ્ટ રૂ. ૧૩૦૦૦નો દર રહેશે, જ્યારે પ્રથમ વર્ષ બાદ આ દર વધીને પ્રતિમશીન, પ્રતિશિફ્ટ રૂ. ૧૩,૫૦૦ થશે.
આ મશીનો કાર્યરત થયા બાદ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ વધુ ઝડપી બનવાની સાથે ધૂળ અને કચરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે. મેન્યુઅલ સફાઈની તુલનામાં મિકેનાઈઝ્ડ સફાઈથી શહેરને વધુ સ્વચ્છ અને ધૂળમુક્ત રાખવાની એએમસીની કામગીરીને વેગ મળશે.