શહેરના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલ વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં પીરસવામાં આવતા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ વાલીઓએ શાળા પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સિવાય શાળામાં એનસીઇઆરટીથી અલગ અભ્યાસક્રમ અને અન્ય ધર્મના પુસ્તકો ભણાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનો પણ મેદાને આવ્યા છે, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શાળામાં બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. વિદ્યાર્થીની તબિયત અંગે તપાસ માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તબીબી રિપોર્ટ કરાવવા માટે વાલીઓએ શાળા પ્રશાસન પાસે તે કાચનો ટુકડો માંગ્યો હતો. જાકે, શાળા સત્તાધીશોએ કાચનો ટુકડો આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. વાલીઓનો આરોપ છે કે ઘટના અંગે રજૂઆત કરવા જતાં શિક્ષકો અને પ્રશાસને તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
બનાવ સંદર્ભે આજે મોટી સંખ્યામાં વાલીઓ સમૂહમાં શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે શાળાના આચાર્ય કે કોઈ જવાબદાર સંચાલક સ્થળ પર ઉપસ્થિત રહ્યા નહોતા. સંચાલકો ગાયબ થઈ જતાં વાલીઓનો રોષ બેવડાયો હતો.
હોબાળા દરમિયાન વાલીઓએ શાળાના શિક્ષણ કાર્ય સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં એનસીઇઆરટીના નિર્ધારિત નિયમોથી અલગ અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પર બિનજરૂરી પુસ્તકોનો બોજ લાદવામાં આવે છે. આ ઉપરાંત, શાળામાં અન્ય ધર્મના પુસ્તકો આપવા બાબતે જાણ થતાં જ વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ શાળા ખાતે પહોંચી ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
અન્ય ધર્મના પુસ્તકો ભણાવવાના ગંભીર વિષયને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.ડીઇઓ દ્વારા આનંદ નિકેતન સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા માટે શાળાના અધિકૃત પ્રતિનિધિને ૧૨ ઓગસ્ટના રોજ રૂબરૂ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.