બાબરામાં ૨૦ વર્ષ જૂના કૌટુંબિક સંબંધો અને વેપારી ભાગીદારીનો લાભ ઉઠાવી બે શખ્સોએ એક વેપારી સાથે રૂ. ૬૬.૮૦ લાખની વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી હતી. હાલ રાજકોટ રહેતા સ્કૂલ સંચાલક અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ (ઉ.વ.૪૬)એ નિગમભાઇ મનોજભાઇ ગૌસ્વામી (રહે. ઇંગોરાળા, તા. બાબરા) તથા મનોજભાઇ ગૌસ્વામી (રહે. ઇંગોરાળા) સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવેલી પોતાની દુકાન તેમણે પાંચ વર્ષ પહેલાં મિત્રતાના નાતે આ કામના આરોપીઓને ભાડે આપી હતી. જ્યાં આરોપીઓ ‘શિવમ એન્ટરપ્રાઇઝ’ નામે પેઢી ચલાવતા હતા. ભૂતકાળમાં સાથે અનાજનો વેપાર કર્યો હોવાથી તેમજ અવારનવાર હાથ-ઉછીના નાણાંની આપ-લે રહેતી હોવાથી ફરિયાદીને આરોપીઓ પર ગાઢ વિશ્વાસ હતો.
આરોપીઓ માથે દેણું વધી જતાં તેમણે નાણાંની જરૂરિયાત દર્શાવી હતી. જેથી ફરિયાદીએ બે વર્ષ પહેલાં રૂ. ૧૦ લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાહેદના બેંક એકાઉન્ટ મારફતે વધુ રૂ. ૪.૮૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. આટલું જ નહીં, આરોપીઓના કહેવાથી અમરાપરા ખાતે આવેલા પોતાની માલિકીના બે મકાનોના દસ્તાવેજ સાહેદોના નામે કરી આપી તેના રૂ. ૫૨ લાખ પણ આરોપીઓને આપ્યા હતા. આમ, ફરિયાદીએ કુલ રૂ. ૬૬.૮૦ લાખ હાથ-ઉછીના આપ્યા હતા.આરોપીઓએ માર્ચ ૨૦૨૬ સુધીમાં તમામ નાણાં પરત ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, મુદત પૂરી થયા બાદ પણ ફરિયાદીએ અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓએ રૂપિયા પરત આપ્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ.ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.