લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા ખેડૂત સાથે કાર ખરીદવાના નામે રૂ. ૮.૫૧ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનો બનાવ સામે આવ્યો છે. ગાડીની ડિલિવરી આપવાને બદલે ઓનલાઈન નાણાં પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવતાં પીડિત ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જીતેન્દ્રસિંહ ભાયાવાળાએ સુરતમાં રહેતા પિયુષભાઇ દિનેશભાઇ તળાવીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે ઇનોવા કાર ખરીદવી હોવાથી આરોપી સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે વર્ષ ૨૦૨૨ના મોડલની ઇનોવા ક્રિસ્ટા ગાડી રૂ. ૧૨,૫૧,૦૦૦માં ખરીદ-વેચાણનો સોદો નક્કી થયો હતો.સોદો નક્કી થયા બાદ ફરિયાદી ખેડૂતે આરોપીના જણાવેલા બેંક એકાઉન્ટમાં અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે તબક્કાવાર કુલ રૂ. ૮,૫૧,૦૦૦ મોકલી આપ્યા હતા. નાણાં મેળવી લીધા બાદ આરોપીએ સમયસર કારની ડિલિવરી આપી ન હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં ગાડી ન આપી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી આચરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.







































