ચલાલા ખાતે આવેલા ગાયત્રી ધામમાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત ડા. રતી દાદાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો, સેવકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સંસ્કૃતિ ગુરુકુલ, રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ તેમજ હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત દેશ-વિદેશથી આવેલા સેવકોએ હાજરી આપી હતી. સૌએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ડા. રતી દાદાએ ગુરુના મહિમા પર પ્રેરણાદાયી પ્રવચન આપતાં ભારતીય સંસ્કૃતિ, સદાચાર અને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સારા મૂલ્યો અપનાવી ગુરુના માર્ગદર્શન મુજબ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો.








































