લીલીયા તાલુકામાં રેવન્યુ વિસ્તા૨માં તાજેતરમાં એક સિંહે અમરેલીના યુવક પર હુમલો કરતા યુવકનું
મૃત્યુ નિપજયું હતું. જયારે યુવક સાથે હાજર તેમના મિત્રો યશરાજસિંહ વાજા તથા રેહાનખાન પઠાણ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહોની પજવણી અને હુમલાના આક્ષેપની ફરિયાદ કરી બંનેની અટકાયત કરી હતી. તેમને કોર્ટના હુકમથી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ ચકચારી કેસના બંને આરોપીઓએ અમરેલીના સીનિયર એડવોકેટ સાદખાન પઠાણ તથા યુવા એડવોકેટ શાદાબ મુસાની મારફત સાવરકુંડલાના એડી. સેશન્સ જજની કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી, જેમાં બંને વકીલો દ્વારા કાયદાના મુદાઓ વિશે કોર્ટ સમક્ષ ઝીણવટભરી દલીલો રજૂ કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને આરોપીઓને રેગ્યુલર જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.