ધારી પત્રકાર સંઘના નેતૃત્વ હેઠળ નવાપરા ગામે ધારી-ચલાલા-વિસાવદર બ્રોડગેજ રેલવે લાઇનની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને લઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંઘના સભ્યોએ ‘મિશન બ્રોડગેજ’ અભિયાન અંગે લોકોને માહિતી આપી હતી અને બ્રોડગેજ રેલવેના મહત્વ વિશે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક પરિવહન વ્યવસ્થાના યુગમાં આ વિસ્તારને પણ બ્રોડગેજ રેલવે સુવિધાનો લાભ મળવો જરૂરી છે. આ રેલવે શરૂ થવાથી સ્થાનિક લોકોને મોટા શહેરો સાથે ઝડપી અને સુવિધાજનક જોડાણ મળશે. સાથે જ ગીર વિસ્તારની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મુસાફરી સરળ બનશે. રેલવે સુવિધાથી પ્રવાસન, વેપાર-ધંધા અને રોજગારીની તકોમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, અગ્રણી નાગરિકો અને ગ્રામજનોએ હાજરી આપી અભિયાનને સમર્થન જાહેર કર્યું હતું.