ધારી ગીર પૂર્વ વન વિભાગના દલખાણીયા રેન્જ વિસ્તારમાં દુર્લભ કીડીખાઉં (પેંગોલિન)નો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના ક્રાંગસા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં સામે આવી હતી. જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ કીડીખાઉંનો મૃતદેહ છેલ્લા બે દિવસથી સ્થળ પર પડ્‌યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આટલો સમય પસાર થયા બાદ પણ વન વિભાગને તેની જાણ ન થવા અંગે અનેક સવાલો ઉભા થયા છે. કીડીખાઉં અત્યંત દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતું પ્રાણી ગણાય છે. ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ શેડ્‌યૂલ-૧માં સમાવિષ્ટ કરી સર્વોચ્ચ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. હાલ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.