બગસરા નગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલા શાસક પક્ષોના સદસ્યોને પ્રથમ હપ્તો મળ્યો હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે. જા કે આ વાતની જાણ શહેરીજનોને થતા પાલિકા સદસ્યો સામે લોકો રોષે ભરાયા છે. બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રર બેઠકો કબજે કરી સત્તાના સુત્રો સંભાળ્યા હતા. સત્તાને બે માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ લોકોની હાલાકીનો અંત આવ્યો નથી. શહેરમાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોની સાથે રાહદારીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે શાસક પક્ષના સદસ્યોને પ્રથમ હપ્તા પેટે રૂ.૬૭૦૦ આપવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આ અંગે લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ રસ્તાઓ પાણી ભરાતા પાણીનો નિકાલ થતો નથી. ખાડાઓ હોવાથી લાંબો સમય સુધી પાણી ભરાયેલુ રહે છે. જેથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના રહે છે. લોકોની હાલાકીને કોરાણે મુકી સદસ્યોને જાણે હપ્તો લેવામાં રસ હોય તેવુ લાગી રહ્યુ છે. આમ, પ્રજાનો વિકાસ કરવાને બદલે સદસ્યો પોતાનો વિકાસ કરતા હોવાનુ સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.