રાખનાં રમકડાં
‘‘પેટ્રોલ પંપના માલિક એવા મારા મિત્રે મને વધુમાં કહ્યું કે, તેની પત્ની તો હિરોઈન જેવી હતી, હા… જ્યોતિ તેનું નામ છે. ને તે ખૂબ જ સુંદર હતી. પરંતુ હવે તેનું રુપ પહેલાં જેવું નથી રહ્યું, ઓસરી ગયું છે. ફક્ત એક જ બાળકની માતા બનતાં તેનું શરીર સાવ ધોવાઈ ગયું છે. તેની મોટી મોટી આંખો ફરતે કાળાં કાળાં કુંડાળાં, ઘુંટણ સુધી પહોંચતા કાલા ભમ્મર લાંબા વાળ હવે વેંત વેંત જેવડા રહ્યા છે. ને તેનું સંતાન પણ જન્મ્યા પછી આજ દિવસ સુધી કંઈક અલગ બીમારીથી પીડાઈ રહ્યું છે…
‘‘ખરેખર દામો, હવે જ્યોતિ અને વિજયની હાલત અત્યારે તો નર્ક જેવી થઈ ગઈ છે. તને તો ઠીક પરંતુ હવે તો મનેય તેના પર ખૂબ દયા આવે છે’’ – આટલું બોલી રણમલ હવે ચૂપ થયો.
રૂમમાં સાવ શાંતિ હતી. થોડીવાર પછી રણમલે દામો સામે નજર કરી ત્યાં તો દામો અત્યારે રડતો દેખાયો. તેની આંખોમાંથી ટપ… ટપ… ટપ… કરતાં આંસુ વહતાં દેખાયાં, હા, દામો ખરેખર રડી રહ્યો હતો. એટલે તરત જ રણમલ બોલ્યોઃ
‘‘અરે ગાંડા…! તું રડે છે શું કામ? તું રડે કે ન રડે, માથા પછાડે કે ન પછાડે પરંતુ વિજય અને જ્યોતિની અત્યારની જે હાલત છે તેમાં કંઈ જ સુધારો થવાનો નથી. હવે સાચું બોલજે, મને એ કહે… તું શા માટે રડે છે…?’’
હાથના આંગળાથી આંખોમાંથી નીકળતાં આંસુને જેમ તેમ લૂછતાં લૂછતાં દામો મંદ અવાજે બોલ્યોઃ ‘‘કેવી હોનહાર, જોશીલી અને ખૂબ જ હોંશિયાર એવી છોકરીની સાવ આવી હાલત?! મારી નજર સામે જ્યોતિનો ઝંખનાતો હર્યોભર્યો ચહેરો હજી પણ ચમકી રહ્યો છે, દોસ્ત…!’’
‘‘હવે એ બધું ઝાંઝવાના જળ જેવું જ સમજ, દામો! હા, મેં જે કંઈ તને કહ્યું છે સાવ સત્ય જ છે, હકીકત જ છે. જો તને મારામાં વિશ્વાસ ન હોય તો અને તારે તેનો બંગલો નજરે જોવો હોય તો… મારી સાથે ચાલ. દૂરથી એટલે કે પેટ્રોલ પંપ પરથી હું તને બતાવીશ…’’
‘‘ના… ના દોસ્ત! એ બંગલો જોઈને મારે શું કરવું? એને જોઈને પણ મારે તો બળવાનું જ ને? ને હવે તારા પર મણ સુધીનો વિશ્વાસ હોય જ, તું સાચું જ કહે. હવે તો મારો ઈશ્વર જ્યોતિને સારું જીવન જીવવાની શક્તિ આપે એવી હું માત્ર પ્રાર્થના કરું છું. મારાથી હવે જ્યોતિ માટે કશું થઈ શકે તેમ નથી, પરંતુ હું જ્યોતિને કોઈ દિવસ ક્યારેય ભૂલી શકું તેમ તો નથી જ, એ મારો પ્રેમ છે…’’
‘‘હજી તું તેના વિશે આવું બોલે છે? તને સાવ સાચી સલાહ આપું…?’’ રણમલે પૂછ્યું. એટલે દામાએ તરત જવાબ આપતાં કહ્યું; ‘‘સલાહ સિવાય મારે હવે તારી પાસેથી બીજું કશું સાંભળવાનું રહ્યું પણ નથી, તું કહે…’’
‘‘તારે એક કામ કરવાનું છે. શાંતિ ભાભીને પ્રેમપૂર્વક ગળે વળગીને તેને સાચવી લેવાનું છે. ભાભીની આંખોમાં, એના સૂના હૃદયમાં તારું સ્થાન સાવ અલાયદું ખાલી જ પડ્યું છે. જો હવે તું આ તક ચૂકી ગયો તો પછી તારું જીવન બરબાદ બરબાદ થઈ જશે. શાંતિભાભીને પણ તું ખોઈ બેસીશ. માટે મારા મિત્ર… દોસ્ત, હવે તારા પ્રેમનો પ્રવાહ ફક્ત ને ફક્ત શાંતિભાભી પ્રત્યે જ વહેવા દે. તને મારી એક અંગત મિત્ર તરીકે સાચી સલાહ છે. પછી મારું કહડ્યું માનવું ન માનવું એ તો તારા હાથની વાત છે. બાકી આ સમાજમાં આવા બનાવો તો બનતા જ રહેવાના. તારા જેવી હાલત આ દુનિયામાં, મોટાં શહેરોમાં અને નાનાં ગામડાંમાં પણ થતી જ રહે છે…!
‘‘સંસાર છે એટલે છેતરાવાનું અને છેતરવાનું કર્મ તો સતત ચાલ્યાં જ કરવાનું. પરંતુ છેતરાયા પછી સાવધાન કે સતર્ક થઈ જવાનું કર્મ તો આપણા હાથમાં જ છે. માટે મારી તને વિનંતી છે કે, આટલું આટલું થયા પછી હવે તો તું સાવધાન થઈ જા…’’
આમ જોઈએ તો સાચી સમજણ તો સાચો અને એક સારો મિત્ર જ સમજી શકે છે. કોઈએ એમ પણ કહ્યું છે કે, જો છેતરાવું જ હોય તો સાચા મિત્ર પાસે છેતરાઈ જવું ઉત્તમ છે. આવી છેતરામણીમાં જીવનભરનો આનંદ સમાયેલો હોય છે.
મિત્ર કોને કહેવાય? મિત્ર એટલે એવી વ્યક્તિ કે જેના દર્શન માત્રથી આપણું બધું દુઃખ દૂર થતું દેખાય અને આનંદની પળો સામેથી આવતી દેખાય! એક એવા નિર્દોષ સંબંધોની વિશિષ્ટ ભેટ એટલે જ મિત્ર…! મિત્રતાનો સંબંધ એક સાવ અનોખો અને પ્રેમનો સંબંધ છે. જ્યારે વિપરીત પરિસ્થિતિમાં બધા દૂર દૂર ભાગી જાય છે ત્યારે સાચો મિત્ર ગળે વળગી પડે છે. મહાન મિત્રની, મહાન દોસ્તીની આ જ સાચી વ્યાખ્યા છે. (ક્રમશઃ)












































