અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી વધુ મજબૂત બનાવવા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા જિલ્લા માર્ગ સલામતી સમિતિના નિર્ણયોના અમલની શરૂઆત કરવામાં આવી છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના અનધિકૃત દબાણો અને ગેરકાયદે ડિવાઈડરો દૂર કરવામાં આવશે તેમજ માર્ગોને અવરોધમુક્ત બનાવાશે. બ્લેક સ્પોટ, પુલ પહેલાં અને પછીના વિસ્તારો, હેરપિન વળાંકો અને ધાર્મિક સ્થળો નજીક જરૂરી માર્ગ સલામતીના સંકેતો મૂકવામાં આવશે. રાત્રિના સમયે એસટી બસના ડ્રાઇવર-કંડક્ટરોની વ્યસન ચકાસણી હાથ ધરાશે. ઓવરડાયમેન્શન વાહનોમાં રેટ્રો રિફ્લેક્ટર લગાવ્યા છે કે નહીં તેની આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવા સેમિનાર અને વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.






































