ભારે વરસાદ બાદ સાવરકુંડલા–રાજુલા સ્ટેટ હાઈવે પર મોટા આગરીયા ગામ નજીક રસ્તા પર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા ગામના લોકોએ પોતાના ખર્ચે અને જાત મહેનતે માટી ભરી ખાડા પૂર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે વરસાદના પાણીથી ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય વધ્યો હતો. સ્થાનિક આગેવાન પ્રકાશભાઈ ખુમાણે જણાવ્યું કે લોકોની સુરક્ષા માટે આ પગલું ભરવું પડ્યું. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું કે ભારે વરસાદના કારણે રસ્તાને નુકસાન થયું છે અને વરસાદ ઓસરતા મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે.









































