મહેસાણાના રાજકારણનું એપીસેન્ટર ગણાતા કડી પંથકમાં અત્યારે લોકશાહીના પર્વ પૂર્વે જ ‘ઘરનો ઝઘડો’ શેરીએ ચડ્યો છે. કડી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટેની હોડ હવે માત્ર બેઠકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગઈ છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના ગજગ્રાહે પક્ષના શિસ્તના લીરેલીરા ઉડાવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા હવે હથિયાર બની ગયું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો અને આંતરિક ખેંચતાણ વચ્ચે જે રીતે પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેણે કડી ભાજપના સંગઠનમાં રહેલી મોટી તિરાડ ખુલ્લી પાડી દીધી છે. સત્તાનું સુકાન પોતાના હસ્તક રાખવા માટે ખેલાઈ રહેલો આ ‘ખરાખરીનો ખેલ’ હવે કયા વળાંકે પહોંચશે તેના પર આખા જિલ્લાની નજર મંડાયેલી છે.
કડીના રાજકીય આકાશમાં અત્યારે ડિજિટલ યુદ્ધ છેડાયું છે. સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં નગરપાલિકાના ચાલુ વહીવટમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને જૂથો એકબીજાના ઉમેદવારોને પછાડવા માટે પાયાવિહોણા અને આક્રમક મેસેજા વહેતા કરી રહ્યા છે. આ પ્રકારની પોસ્ટના કારણે સામાન્ય જનતામાં પણ પક્ષની છબી ખરડાઈ રહી છે. ખાસ કરીને વહીવટી પારદર્શિતા સામે સવાલો ઉઠાવતી આ પોસ્ટ્સે ચૂંટણી પૂર્વે જ ગરમાવો વધારી દીધો છે.
આ વખતની ચૂંટણીમાં કડી નગરપાલિકાનું સુકાન નવા ચહેરાઓને સોંપવા માટે એક પક્ષ સક્રિય પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે બીજા પક્ષ પોતાના અનુભવી અને વફાદાર સમર્થકોને ફરીથી સ્થાપિત કરવા માટે મક્કમ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને ધારાસભ્ય બંને ઈચ્છે છે કે, પાલિકામાં તેમના જ જૂથના ઉમેદવારોનું વર્ચસ્વ રહે. સત્તાના આ ખેલમાં પક્ષના હાઈકમાન્ડ માટે બંને નેતાઓને સંતુષ્ટ કરવા એ એક મોટો પડકાર બની રહ્યો છે. નવા લોહીને તક આપવી કે જૂના વિશ્વાસુઓને જાળવી રાખવા તે મુદ્દે ભારે મનોમંથન ચાલી રહ્યું છે.
કડી નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જાવા મળવાના પૂરેપૂરા સંકેતો છે. પક્ષના આંતરિક વિખવાદનો ફાયદો વિરોધ પક્ષો ઉઠાવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. હવે જાવાનું એ રહેશે કે અંતિમ સમયે કડી પાલિકાના ઉમેદવારોની યાદીમાં કોના આશીર્વાદ ફળે છે અને કયું જૂથ ટિકિટ મેળવવામાં સફળ રહે છે. નીતિન પટેલનું વજન પડશે કે, રાજેન્દ્ર ચાવડાની રણનીતિ કામ કરી જશે, તે તો આવનારો સમય જ બતાવશે. જાકે, હાલની સ્થિતિએ કડી ભાજપમાં ‘ઘરના જ ઘાતકી’ જેવો ઘાટ જાવા મળી રહ્યો છે.








































