વલસાડ શહેર અને સમગ્ર તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વલસાડ શહેરથી અતુલ નેશનલ હાઇવે ૪૮ ને જાડતા અત્યંત મહત્વના સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. ખાસ કરીને વલસાડ તાલુકાના પારનેરા ગામ નજીક સ્ટેટ હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતાં અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેને ચાલકોએ ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની નોબત આવી હતી. સતત પડી રહેલા વરસાદના કારણે સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા સેવાઈ રહી છે
ડાંગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરીમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાના ૧૩ જેટલા માર્ગો પર પાણી ફરી વળતાં (ઓવરટોપિંગ) વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. સુસરદા, ચિખલદા, અને આંબાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જાડતા લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે. વહીવટી તંત્રે સ્થાનિકોને અપીલ કરી છે કે કોઝવે પરથી પાણી સંપૂર્ણપણે ન ઓસરે ત્યાં સુધી કોઈએ જાખમ ન ખેડવું અને માત્ર વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.
નવસારી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદથી નદી-નાળાં છલકાઈ ગયાં છે. સતત વરસાદના કારણે પૂર્ણા નદીની જળસપાટી ૧૫ ફૂટ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે. પૂરની સંભવિત કટોકટીને પહોંચી વળવા અને નાગરિકોની સલામતી માટે સુરક્ષાના ભાગરૂપે ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
વલસાડ જિલ્લાના કપરાડા અને મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કપરાડામાં ચોંકાવનારો ૧૬ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકયો છે. દક્ષિણ પડેલા વરસાદની વાત કરીએ તો કપરાડામાં ૧૬ ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે. મધુબન ડેમની જળસપાટી ૭૪.૩૫ મીટરે પહોંચી છે. નવા પાણીની આવક ૧,૨૧,૦૦૦ ક્યુંસેક જેટલી છે. જ્યારે ડેમની સ્થિતિની વાત કરીએ તો દરવાજા ૩ મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ભારે આવકને પગલે મધુબન ડેમની સપાટી ૭૪.૩૫ મીટરે પહોંચતાં તંત્રે ડેમના દરવાજા ૩ મીટર સુધી ખોલવાની ફરજ પડી છે. આ સાથે જ નદી કિનારે આવેલા તમામ ગામડાઓને સાવચેત રહેવાની એલર્ટ સૂચના આપી દેવામાં આવી છે.
વલસાડના જળાશયોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. કાવેરી નદીના જળસ્તરમાં પણ મોટો વધારો નોંધાયો છે. રાત્રે થોડા સમય માટે જળસ્તર ઘટ્યા બાદ ફરીથી વહેલી સવારથી પાણીની સપાટી વધવા લાગી છે. કાવેરી નદીનું જળસ્તર વધીને ૧૬ ફૂટ પર પહોંચ્યું છે (ભયજનક સપાટી ૧૯ ફૂટ છે). હાલ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો તેમજ ૧૫ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વલસાડ શહેર અને સમગ્ર તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ તેના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાયો છે. વલસાડ શહેરથી અતુલ નેશનલ હાઇવે ૪૮ ને જાડતા અત્યંત મહત્વના સ્ટેટ હાઇવે પર પારનેરા ગામ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ રસ્તા પર અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ધક્કા મારીને ગાડીઓ બહાર કાઢવાની નોબત આવી છે.
વાપી શહેરમાં પણ આખી રાત મુશળધાર વરસાદ વરસ્યો છે. વાપીના નાના અને મોટા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં બંને તરફનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. શહેરના અનેક નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
રાજ્યમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના માત્ર ૨ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડમાં ૨ કલાકમાં ૨ ઈંચથી વધુ વરસાદ. (પારડી અને ઉમરગામમાં પણ ૧ ઈંચથી વધુ), તાપી જિલ્લાના વ્યારામાં ૨ ઈંચ, વાલોડમાં ૧.૭૫ ઈંચ, સોનગઢ અને ઉકાઈમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત અને નવસારી જિલ્લાના મહુવા (સુરત) અને ચીખલી (નવસારી)માં ૧.૭૫ ઈંચ, જ્યારે ગણદેવી, ખેરગામ અને અંબિકા વિસ્તારમાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના મોરબીમાં પણ સવારે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતાને જાતાં સમગ્ર દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.