લાઠીના શેખ પીપરીયા ગામે રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી માધ્યમિક શાળાના ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સારું શૈક્ષણિક વાતાવરણ મળશે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે અને ગામડાં સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે શિક્ષણને સમાજના ઉજ્જવળ ભવિષ્યનું પાયાનું સાધન ગણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનો અને ગ્રામજનોએ શાળાના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.