સાવરકુંડલા શહેરમાં જાહેર સ્વચ્છતા જાળવવા સાવરકુંડલા નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર અને સેનેટરી ટીમ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા ખાણી-પીણીના સ્ટોલ, રેસ્ટોરન્ટ તથા પાનના પાર્લરોમાં તપાસ કરવામાં આવી હતી. વેપારીઓને જાહેર રસ્તા પર કચરો નહીં ફેંકવા અને કચરો નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનમાં આપવા કડક સૂચના અપાઈ હતી. જ્યાં સ્વચ્છતાના નિયમોનો ભંગ જોવા મળ્યો ત્યાં સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા ભવિષ્યમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. શહેરને સ્વચ્છ રાખવા નાગરિકો અને વેપારીઓને સહયોગ આપવા અપીલ કરાઈ હતી.