મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાનનું ચલણ, રિયાલ, મંગળવારે ફરી એકવાર રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું. તેહરાનમાં વેપારીઓએ ૨.૫ મિલિયનથી વધુ રિયાલને એક યુએસ ડોલરમાં બદલ્યા. આ સ્પષ્ટ સંકેત છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે ઈરાનની અર્થવ્યવસ્થાને કેટલી નબળી બનાવી છે.
૨ સપ્ટેમ્બરના રોજ રિયાલ ઘટીને ૨.૨ મિલિયન રિયાલ પ્રતિ ડોલર થઈ ગયો હતો. માત્ર ૨૭ દિવસ પછી, ચલણે બીજા રેકોર્ડ બનાવ્યો છે. યુદ્ધ શરૂ થયા પછી ઈરાની ચલણ સતત નવા નીચા સ્તરે પહોંચી રહ્યું છે. ચલણનો ઘટાડો એવા સમયે થયો છે જ્યારે પ્રતિબંધો, વેપાર અવરોધો અને પ્રાદેશિક તણાવ યુદ્ધને કારણે ઈરાનના અર્થતંત્ર પર દબાણ વધારી રહ્યા છે.
આ દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે અમેરિકા સાથે પરોક્ષ વાટાઘાટો હવે વધુ ગંભીર તબક્કામાં પ્રવેશી છે. વાટાઘાટોનો મુખ્ય મુદ્દો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. અરાઘચીએ ઈરાની મીડિયાને જણાવ્યું હતું કે કતારી મધ્યસ્થી ટૂંક સમયમાં યુએસ પક્ષ સાથે આ મુદ્દા પર ફરીથી વાટાઘાટો કરશે. તેમણે કહ્યું કે યુએસનો જવાબ મળ્યા પછી તેહરાનમાં વધુ નિર્ણયો લેવામાં આવશે.
ન્યૂ યોર્ક છોડતા પહેલા અરાઘચીએ આ નિવેદન આપ્યું હતું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂ યોર્કમાં હતા અને પાકિસ્તાન અને કતારના મધ્યસ્થીઓ સાથે મુલાકાત કરી હતી. યુએસ અને પ્રાદેશિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યસ્થી ઈરાન અને અમેરિકા વચ્ચેની લડાઈનો અંત લાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ અઠવાડિયે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને નકારી કાઢ્યો, જેમાં યુએસ નાકાબંધી હટાવવી, સ્થિર ઈરાની સંપત્તિ મુક્ત કરવી અને ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધો હળવા કરવા શામેલ હતા. ઈરાને પ્રસ્તાવ મૂક્યો હતો કે જા આ શરતો પર સંમતિ આપવામાં આવે, તો તે સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલી શકે છે.
આ દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના પ્રવક્તા જનરલ હુસૈન મોહબ્બીએ મંગળવારે અમેરિકન નાગરિકોને યુદ્ધ સામે બોલવાની અપીલ કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં, તેમણે અમેરિકનોને તેમની સરકાર પર દબાણ લાવવા વિનંતી કરી હતી. મોહબ્બીએ દાવો કર્યો હતો કે યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે અમેરિકા હાર સ્વીકારે અને મધ્ય પૂર્વમાંથી ખસી જાય. તેમણે અમેરિકા પર દેશની સંપત્તિ જપ્ત કરવા માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આ દરમિયાન, ટ્રમ્પ અને તેમના ટોચના સહાયકોનું માનવું છે કે ઈરાનની અર્થવ્યવસ્થા લાંબા સમય સુધી યુદ્ધના તાણનો સામનો કરી શકતી નથી. યુએસ પ્રમુખે આશા વ્યક્ત કરી હતી કે યુદ્ધ શરૂ થયાના થોડા અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે. બાદમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે નવેમ્બરમાં યોજાનારી યુએસ ચૂંટણીઓ પછી યુદ્ધનો અંત આવશે. દરમિયાન, યુદ્ધને કારણે વધતા ઇંધણના ભાવ અમેરિકન મતદારોમાં પણ પ્રતિબિંબિત થયા છે.








































