ધારીના ગોવિંદપુર ગામે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. રમેશભાઈ મુળાભાઈ દાફડા (ઉ.વ. ૪૦)એ રામજીભાઈ પ્રેમજીભાઈ પરમાર, મનીષભાઈ રામજીભાઈ પરમાર તથા વિવેકભાઈ શ્યામભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમને તેમની દીકરી બાબતે મનીષભાઈ રામજીભાઈ પરમાર સાથે બોલાચાલી થઈ હતી. તે વખતે આરોપીઓ તથા તેમણે ઘરમેળે સમાધાન કર્યું હતું તેમજ નક્કી કર્યું હતું કે, મનીષભાઈ પરમાર ગોવિંદપુર ગામમાં આવશે નહીં.તેમ છતાં તેઓ ગામમાં આવ્યા હતા અને પોતાને ગામમાં નહીં આવવા દેવા બાબતનું મનદુઃખ રાખી રામજીભાઈ હાથમાં લોખંડનો પાઈપ તથા મનીષભાઈ લાકડાનો ધોકો લઈ આવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત, તેમને ગળાના ભાગે લોખંડનો પાઈપ મારી મૂઢ ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે વિવેકભાઈ પરમારે તેમના ડેલા પાસે આવી ડેલા પર પથ્થરના ઘા કરી સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.જે બાદ રામજીભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ. ૪૫)એ રમેશભાઈ મુળાભાઈ દાફડા તથા કેશુભાઈ રમેશભાઈ દાફડા સામે નોંધાવેલી વળતી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની ડેલીની બહાર બેઠા હતા ત્યારે આરોપીઓ ગાળો બોલતા હતા. જેથી તેમણે આરોપીઓને ઠપકો આપી કહ્યું હતું કે, અહીં બૈરાંઓ રહે છે, તમે ગાળો ન બોલો. તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેમને લોખંડના પાઈપના ચાર ઘા માર્યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.







































