અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટા દેવળિયા ગામે પ્રસંગોપાત કામ પતાવીને ન્હાવા માટે ચેકડેમના પાણીમાં પડેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. એકસાથે ચાર યુવકોનાં મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં તેમજ વાલ્મિકી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો અને સગાસંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. મળતી વિગતો મુજબ, મોટા દેવળિયા ગામ નજીક આવેલા ચેકડેમ ખાતે ગણેશ વિસર્જન માટે કેટલાક લોકો ગયા હતા. તે દરમિયાન ચેકડેમના કાંઠે માત્ર કપડાં પડેલા જોવા મળતાં લોકોને શંકા ગઈ હતી. આથી આસપાસ તપાસ કરતાં યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ચેકડેમના પાણીમાં યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક માહિતી મુજબ, મૃતકો પૈકી બે યુવકો મોટા દેવળિયા ગામના સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે યુવકો જેતપુરના નવાગઢ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. ચારેય યુવકો એકસાથે ચેકડેમના પાણીમાં ડૂબી જતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.એક જ ઘટનામાં ચાર યુવકોના મોતના સમાચાર મળતાં મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્‌યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાને પગલે મોટા દેવળિયા સહિત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવની જાણ થતાં ગ્રામજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. પોલીસે મૃતદેહોને બહાર કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર યુવકોના એકસાથે ડૂબી જવાથી બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.

મૃતકોમાં બે મોટા દેવળીયા અને બે સગાભાઈઓ નવાગઢ(જેતપુર)ના હોવાનું ખુલ્યુ
* કનુભાઈ દેવજીભાઈ શિંગાળા (રહે. મોટા દેવળિયા)
* સચિનભાઈ કાળુભાઈ શિંગાળા (રહે. મોટા દેવળિયા)
* રાજ પ્રવીણભાઈ જેઠવા (રહે. નવાગઢ, જેતપુર)
* કેવિન પ્રવીણભાઈ જેઠવા (રહે. નવાગઢ, જેતપુર)