સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં સાત દિવસના દિવાળી વેકેશન બાદ લાભપાંચમના શુભ મુહૂર્તે ખેત પેદાશોની હરાજીનો ફરી પ્રારંભ થયો છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે જ અંદાજે ૧૧૦૦ વાહનોમાં ખેડૂતો પોતાની જણસી લઈને પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વાહનોની આવક થતાં યાર્ડની બહાર લાંબી કતારો જાવા મળી હતી. મુહૂર્તની હરાજીમાં મગફળીના પ્રતિ મણ રૂ.૧૬૧૦ અને મગના રૂ.૧૯૧૦ ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશી જાવા મળી હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા મુજબ, લાભપાંચમના દિવસે મગફળી અને મગ એમ બે જણસીની હરાજીથી શરૂઆત કરવામાં આવી હતી. તેમાં ૨૦ કિલો મગફળીનો ભાવ રૂ.૧૬૧૦ અને મગનો ભાવ રૂ.૧૯૧૦ બોલાયો હતો. આ ઉપરાંત જીરુંના ભાવ રૂ.૫૩૦૦થી રૂ.૫૬૦૦ સુધી નક્કી કરવામાં આવ્યા છે. અન્ય ખેત પેદાશોની હરાજી પણ આગામી દિવસોમાં ક્રમશઃ શરૂ કરવામાં આવશે.
બજારના જાણકારો અને વેપારીઓના મતે, આ વર્ષે ખેત પેદાશોના ઉત્પાદનમાં અંદાજે ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, બજારમાં ભાવમાં ૨૫થી ૩૦ ટકા સુધીની તેજી જાવા મળી રહી છે. વેપારીઓના અંદાજ મુજબ આગામી દિવસોમાં તલ, મગ અને સોયાબીન સહિતના પાકોના ભાવ દિવાળી પહેલાં કરતાં પણ ઊંચા જઈ શકે છે. જા આવું થાય તો ખેડૂતોને પોતાની જણસીના સારા ભાવ મળવાની આશા છે.