વડિયાના હનુમાન ખીજડીયા ગામે લાખાભાઈ આહિરની વાડીમાં રહેતા પરપ્રાંતિય ખેતમજૂર પરિવારના સાત વર્ષના સાયરામ નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં બાળકના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વડિયા પંથકના ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડિયા વિસ્તાર લીલીયા વાઈલ્ડ લાઈફ કચેરી હેઠળ આવતો હોવાથી અહીં કાયમી વાઈલ્ડ લાઈફ કચેરી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સિંહ-દીપડાની અવરજવર વધતા વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.