લીલીયા તાલુકાના પૂંજાપાદર-ક્રાંકચ વચ્ચે આવેલ રેલવે ફાટક નં. ૪૨-ઝ્ર પર અંડરપાસ બનાવવાની વર્ષોથી ચાલી રહેલી માંગણીનો આખરે અંત આવ્યો છે. અંદાજે રૂ. ૧૧ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાની કામગીરીને મંજૂરી મળતા વિસ્તારના ખેડૂતો, વાહનચાલકો તેમજ ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ અંડરપાસની કામગીરીનું સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે વિધિવત્ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રેલવે ફાટક વારંવાર બંધ રહેવાના કારણે વાહનચાલકો, ખેડૂતો તેમજ ઇમરજન્સી સેવાઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. અંડરપાસનું નિર્માણ પૂર્ણ થયા બાદ લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓની અવરજવર પણ સરળ બનશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, રેલવે અધિકારી ગોસ્વામી, પ્રકાશભાઈ પાનસુરીયા, જીગ્નેશ સાવજ, આનંદ ધાનાણી, ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ ઝિંઝુવાડિયા, વિનુભાઈ રામાણી, મુકેશભાઈ આદ્રોજા, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી સહિતના આગેવાનો, કાર્યકરો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.