સાવરકુંડલા શહેરમાં મહાપ્રભુજી બેઠકજી તથા વ્હોરા કબ્રસ્તાન તરફ જવાના મુખ્ય માર્ગ પર ગંદકીના ઢગલાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તો બીડી કામદાર સોસાયટીમાં જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી રોજિંદા અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વ્હોરા સમાજના આગેવાનો દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં પાંચેક વખત કોલ કરીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આસપાસ કેટલાક સત્તાધીશોના નિવાસસ્થાન હોવા છતાં સફાઈ અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી લોકોને રાહત આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી છે.









































