ભાવનગર અને બોટાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાણપુર તાલુકાના દેવળીયા ગામે સફળ દરોડો પાડીને ખુલ્લા સ્થળે ગંજીપા વડે જુગાર રમી રહેલા કુલ ૧૩ શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એલસીબી સ્ટાફ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં વ્યસ્ત હતો તે દરમિયાન ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, દેવળીયા ગામના પરા વિસ્તારમાં આવેલ ચંદુભા વાળા ખાંચામાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે પંચોની હાજરીમાં સાંજના સુમારે તે સ્થળે અચાનક રેડ કરી હતી.પોલીસને જાઈને ભાગવા કે છૂપાવવાનો પ્રયાસ કરનાર રમેશ દેવશીભાઈ રોજારા, બાપુરાજ બાબુ ભાઈ પરમાર, ભુપેન્દ્રસિંહ દાદભા પરમાર, અશ્વીન ભીમજીભાઈ મકવાણા, વિક્રમ જેઠાભાઈ શેખલીયા, નરેશ કરાશનભાઈ તલસાણીયા, અજય જગદિશભાઈ શેખલીયા, હસુભા નટુભા પરમાર, બીજલ ભરતભાઇ તલસાણીયા, મેરૃ જેરામભાઈ અણીયાળીયા, રમેશ પ્રભુભાઈ ગોહીલ, અમૃત ગણેશભાઇ હિહોરીયા અને વેલશી મોહનભાઈ મેળજીયા સહિત ૧૩ ઇસમોને પોલીસ ટીમ દ્વારા ચારેય બાજુથી કોર્ડન કરીને દબોચી લેવામાં આવ્યા હતા.તલાશી દરમિયાન પકડાયેલા તમામ શખ્સો પાસેથી કુલ રૂ. ૧૩,૩૪૦ ની રોકડ રકમ તેમજ જુગાર રમવામાં વપરાતું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.