ધારી તાલુકાના કરમદડી ગામે ગણપતિના પ્રસાદ વેચવા બાબતે થયેલી ગંભીર મારામારીના ગુનામાં ધારી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.તા. ૨૪-૯-૨૦૨૬ના રોજ કરમદડી ગામે સંગીતાબેન પાટડીયા ઉપર મિતેશ વિનુભાઈ ગોંડલીયા, અશોક રામદાસ ગોંડલીયા અને અક્ષય પ્રવીણભાઈ ગોંડલીયાએ હુમલો કર્યો હતો. હુમલામાં સંગીતાબેનના માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૬ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપીઓ નાસી ગયા હતા. ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સીમ વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

































