વડિયાના ખજૂરી ગામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૯૦ લાખથી વધુના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક શાળા અને રૂ. ૧.૨૫ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સુવિધા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવવામાં આવેલા વિકાસના માર્ગ પર અમરેલી જિલ્લો સતત પ્રગતિ કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જિલ્લામાં વિકાસકાર્યોને નવી ગતિ મળી છે. તેમણે જણાવ્યું કે આજે વિકાસકાર્યો સમયસર પૂર્ણ થઈ રહ્યા છે અને જનપ્રતિનિધિઓ પોતાના હસ્તે લોકાર્પણ કરી રહ્યા છે. ખજૂરી ગામે ગ્રામજનો અને દાતાઓના સહયોગથી ૨,૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાની સિધ્ધિઓ બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.








































