પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઇ ભાદાણીએ ખોટી રીતે સ્ટેમ્પ ડ્‌યૂટી વસૂલવાના અનેક કિસ્સામાં કલેક્ટર ઓફિસે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી છે. આ અંગે તેમણે જિલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડયુટીની એક જ પોસ્ટ છે. જિલ્લાના તમામ તાલુકાના કામો આ એક જ કચેરીએ થતા હોવાથી તેમાં મોટા પ્રમાણમા ગેરરીતીઓ થઇ રહી છે. અમોએ અરજદાર બની ટીંબલા ગામના જુના સર્વે નં.૯૪પૈકીની ખેતીની જમીન અન્વયે અમોએ હક્ક નોંધ નં.૧૦૩૧ ના વ્યવહારો સબબ સ્ટેમ્પ ડયુટી ભરવા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયુટીને તા.૧૭/૦૪/૨૦૨૬ના રોજ અરજ કરેલ હતી જેની અનેક રજુઆતો કરવા છતાં તે ચલણ અમોને ત્રણ માસ પછી તા.૦૩/૦૮/૨૦૨૬ના રોજ આપવામાં આવેલ હતું. આ બાબતે ઊર્જા મંત્રી તથા સાંસદ સભ્યએ પણ યોગ્ય કરવા ભલામણ કરતા તેમની પણ ભલામણ ધ્યાને લીધેલ નથી. લેખિતમાં ગેરરીતી કરી હોવાનું અમારા ચલણમાં તથા રેકર્ડમાં સાબિત થાય છે. આથી અમે અમારી હાલની અરજ મુજબ આ સાથેના રેકર્ડની સ્ટેમ્પ ડયુટી ભરવાની ઉંડાણપુર્વક તપાસ કરી ખોટી રિતે સ્ટેમ્પ ડ્‌યુટીનુ ચલણ બનાવવા માટે તંત્ર વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.