ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે દરિયામાં નાહવા ગયેલા પાંચ કિશોરોમાંથી બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ કિશોરોને સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસરની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દરિયામાં ભારે મોજાં અને તેજ પ્રવાહના કારણે બંને કિશોરો લાપતા બન્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ, સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને કિશોરોની શોધખોળ માટે આખી રાત સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે લાપતા બનેલા કિશોરોમાંથી ભાવેશભાઈ ભરતભાઈ ચુડાસમા (ઉ.વ. ૧૭)નો મૃતદેહ રાત્રિના સમયે શાપુરજી કંપનીની જેટી નજીકથી મળી આવ્યો હતો, જ્યારે નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉ.વ. ૧૭)નો મૃતદેહ આજે સવારે આશરે ૭ઃ૦૦ વાગ્યે શાપુરજી કંપની નજીકથી જ મળી આવ્યો હતો. બંનેના મૃતદેહો મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.